કેવડીયા ખાતે આવેલ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (જંગલ સફારી) ખાતે ફરજપરસ્ત સુરક્ષા જવાન સાથે ગત રોજ તા. ૧૦/૦૩/૨૦૨૧ નાં રોજ સવારનાં ૧૧:૪૮ કલાકે કેવડીયા ટ્રાફીક પોલીસનાં 5 જવાનોએ મારામારી કરીને કોઇ પણ કારણ આપ્યા વિના તેને પકડીને લઇ ગયેલ હતા. આ સમગ્ર ઘટના જંગલ સફારીમાં રહેલ CCTV માં રેકોર્ડ થઇ હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વ કક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે, અને દરરોજનાં સેંકડો પ્રવાસીઓ આ સ્થળે મુલાકાત લે છે ત્યારે સમગ્ર ઘટનાને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળનાં ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી લઇને પોલીસ જવાનોનાં ગેરવર્તનને લઇને પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિંગ સાથે ચર્ચા કરીને જવાબદાર કર્મીઓ સામે પગલા લેવા વાતચીત કરી હતી, જે બાદ પોલીસ અધિક્ષકએ યોગ્ય પગલા લેવા ખાતરી આપી હતી. આજરોજ પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિંગએ એક હુકમ કરીને વિડિઓમાં દેખાઇ રહેલા તમામ 5 પોલીસ કર્મીઓને ફરજ મોકુફી હેઠળ મુકયા છે. પ્રવાસન સ્થળોએ આ પ્રકારનાં ગેરવર્તનને કોઇ અવકાશ નથી અને આ અંગે પોલીસ અધિક્ષક તરફથી ત્વરીતપણે લેવાયેલ શિસ્તભંગ વિષયક પગલાને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ આવકારે છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી