નર્મદા જિલ્લા પંચાયત તેમજ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓના મતદાનની આજે તા. ૧ લી માર્ચ, ૨૦૨૧ ના રોજ રાજપીપલા શહેર અને જિલ્લાના નિયત ૬ મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાયેલી મતગણતરીની કામગીરી કોઇ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.
સવારથી હાથ ધરાયેલી મતગણતરી બાદ સંબંધિત ચૂંટણી અધિકારીઓ મારફત જાહેર થયેલા પરિણામોની વિગતો જોઇએ તો રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના ૧૧૫ ઉમેદવારો પૈકી ભાજપના-૧૬, કોંગ્રેસની -૦૬ અને અપક્ષ-૦૬ ઉમેદવારો વિજેતા જાહેર થયેલ છે.
તેવી જ રીતે, નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના ૭૯ ઉમેદવારો પૈકી ભાજપના-૧૯, કોંગ્રેસ -૦૨ અને બીટીપીના-૦૧ ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે.
જ્યારે જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની ૯૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધા અન્વયે નાંદોદ તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના ૫૬ ઉમેદવારો પૈકી ભાજપના-૧૫, કોંગ્રેસ -૦૨ અને અપક્ષ-૦૧ ઉમેદવાર, ગરૂડેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના ૪૫ ઉમેદવારો પૈકી ભાજપના-૦૯ અને કોંગ્રેસ -૦૭ ઉમેદવાર, તિલકવાડા તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના ૪૭ ઉમેદવારો પૈકી ભાજપના-૧૦, કોંગ્રેસ-૦૫ અને અપક્ષ-૦૧ ઉમેદવાર, દેડીયાપાડા તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના ૮૧ ઉમેદવારો પૈકી ભાજપના-૧૬, કોંગ્રેસ -૦૪ અને બીટીપીના-૦૨ ઉમેદવાર તેમજ સાગબારા તાલુકા પંચાયતની ચૂંટણી સ્પર્ધાના ૭૮ ઉમેદવારો પૈકી ભાજપના-૧૨, કોંગ્રેસના -૦૩, બીટીપીના-૦૨ અને અપક્ષ-૦૧ ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાા પંચાયત તથા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતો અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના યોજાયેલા મતદાનમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ૭૯.૦૨ ટકાના વિક્રમી મતદાન સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને મોખરે રહ્યોં છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં રાજપીપલા નગરપાલિકા ૬૬.૭૮ ટકા મતદાનની ટકાવારી સાથે સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે રહેવા પામી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી