ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો.
રાજપીપળા:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પોતાના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારથી જ ભવિષ્યમાં એને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે એવો ક્યાશ કાઢવામાં આવ્યો હતો.અને થયું પણ એવું જ જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું કે એના 15 દિવસમાં જ 1.50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ લીધી.હવે ભવિષ્યમાં કેવડિયા ખાતે પ્રવાસીઓના વધારે ધસારાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કેવડીયામાં બીજી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરીનો આરંભ કરાયો છે.
એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશ-વિદેશથી બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ આવી શકે એ માટે રાજપીપળામાં ડોમેસ્ટિક એરપોર્ટ વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવાઈ છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા વચ્ચે થયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.રાજપીપળામાં જ્યાં રાજા રજવાડાઓ વખતે એરપોર્ટ હતું એ જ જગ્યા પર હવે ભવિષ્યમાં ડોમેસ્ટિક એરપોર્ટ આકાર લેશે,અગાઉ એરપોર્ટ ઓથોરિટીની એક ટીમ દ્વારા રાજપીપળા ખાતે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સર્વે પણ હાથ ધરાયુ હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી રાજપીપળા સહિતના આસપાસના વિસ્તારોની રોનક તો બદલાઈ જ ગઈ છે પરંતુ ડોમેસ્ટિક એરપોર્ટ બનવાથી ભવિષ્યમાં રાજપીપળાની કાયા પલટ થશે એ વાત નક્કી છે.