Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રીનાં હસ્તે નર્મદા જિલ્લામાં રૂ. ૧૫૨ કરોડથી વધુનાં ખર્ચે સાકાર થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું.

Share

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના ખેડૂતો માટે ‘વિકાસનું તિલક’ બનનારી યોજના છે એવો સ્પષ્ટ મત નર્મદા જિલ્લાના તિલકવાડાથી આ યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવતાં વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ૪પ૪ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રથમ તબક્કો ઓકટોબર-માસમાં પ્રધાનમંત્રીના કરકમળથી શરૂ કરાવી ૧૦પપ ગામોને આવરી લીધા છે.

હવે બીજા તબક્કામાં રાજ્યના ૪૦૦૦ ગામોને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવી લેવા સાથે ર૦રરના અંત સુધીમાં રાજ્યના તમામ ગામોને યોજનાથી દિવસે વીજળી આપવા સાંકળી લેવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. નર્મદાના તિલકવાડા તાલુકાના ૩૯ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે હવે દિવસે વીજળી મળતા કિસાન પરિવારોમાં સમૃદ્ધિનો સૂરજ ઉગશે. રાજ્યના તમામ ખેડૂતોની સુખાકારી માટે ‘દિવસે કામ અને રાત્રે વિશ્રામ’ની ભાવનાથી કિસાનોનો સંપૂર્ણ સૂર્યોદય અને સર્વોદય થશે’, તેવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં રૂ.૧૫૨ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિવિધ ચાર જેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓનું પણ ઈ-ખાતમૂહુર્ત કરી નર્મદા જિલ્લામાં ઘરે ઘરે ‘નલ સે જલ’ થકી પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના લાખો ખેડૂતો માટે ઐતિહાસિક વીજક્રાંતિના મંડાણ છે એમ જણાવતાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે જરૂરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇ પણ સુનિશ્ચિત કરી છે. ઉન્નત ખેતી અને સ્વચ્છ પાણી થકી કિસાનોની સાથોસાથ આમ નાગરિકો માટે વિકાસની નવી રાહ કંડારી છે એવી ભાવના વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં રાતના ઉજાગરા, વન્ય જીવજંતુ કરડવાના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમી મુક્તિ મળી છે. હવે ખેડૂતોને ૮ કલાક દિવસે વીજપુરવઠો મળશે અને રાત્રે ઘરે પરિવાર સાથે સુખરૂપ સમય વિતાવવાથી પરિવારભાવના સુદ્રઢ થશે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

Advertisement

મુખ્યમંત્રીએ ભૂતકાળના વિકટ દિવસોની દર્દનાક સ્થિતી વર્ણવતા કહ્યું કે ભૂતકાળની કોંગ્રેસ સરકારનાં કાર્યકાળમાં ‘લંગડી વિજળી’નાં દિવસો જોયા છે, ખેડૂતોના ખેતરમાં જ નહિ, ઘરોમાં પણ વિજળી મળવી દોહ્યલી હતી, જ્યારે આજે ભાજપા સરકારે રાજ્યમાં ૨૪ કલાક વિજળી અને હવે કિસાનોને દિવસે વિજળી આપીને ઘરેલું અને કૃષિ વિજ સુવિધા માટે સર્વાંગી બદલાવ માટે કમર કસી છે. મુખ્યમંત્રીએ કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણનાં જેવી અનેક યોજનામાં રાજ્યની શ્રેષ્ઠ કામગીરીનો ઉલ્લેખ કરી ‘ખેતી સમૃધ્ધ તો ગામ સમૃધ્ધ, ગામ સમૃધ્ધ તો શહેર, રાજ્ય અને દેશ સમૃધ્ધ’ બનશે એવો મત વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જાહેર કર્યુ કે આગામી તા.૧૬ મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી વડોદરાથી કેવડિયા સુધીની રેલ્વેલાઈન અને કેવડિયાના નવનિર્મિત રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, તા.૧૮ મી જાન્યુઆરીએ વડાપ્રધાન અમદાવાદ- ગાંધીનગર- ગીફ્ટ સિટીને જોડતી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનો પણ ઈ-માધ્યમથી શુભારંભ કરાવશે. જે રાજ્યના પ્રવાસન અને માળખાકીય સુવિધા માટે ચાવીરૂપ બનશે એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રૂ.૫૨૦ કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે.વી. સબસ્ટેશન, રૂ.૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪ નવી ૨૨૦ / ૧૩૨/ ૬૬ કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે એમ જણાવી કિસાનો માટેની સંવેદના સાથે આગામી સમયમાં પણ ખેડૂતોનાં જીવનમાં સમૃદ્ધિની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારને પ્રત્યેક કૃષિ વીજ કનેક્શનમાં રૂ.૧.૬૦ લાખનો ખર્ચ થાય છે. ખેડૂત પર માત્ર ૧૦ હજારનું ભારણ પડે છે. રાજ્ય સરકાર દર વર્ષે રૂ.૧૮૦૦ કરોડની વીજ સબસિડી આપે છે. આ વર્ષે જ ૭૫૦૦ કરોડની કૃષિ વીજ સબસિડી આપી છે. ભૂતકાળની સરકારના રાજમાં ૪૨ વર્ષમાં માત્ર ૫૫ કૃષિ વિજ જોડાણ આપ્યા હતા, જેની સામે વર્તમાન સરકારે માત્ર ૧૮ વર્ષમાં જ ૧૩,૬૦૭ કૃષિ જોડાણ આપ્યા છે. જેમાં તિલકવાડા તાલુકામાં ૧૫૧૩ જોડાણો આપ્યા છે. તેમજ નર્મદા જિલ્લામાં નવા ૧૪ સબસ્ટેશનની ભેટ આપી છે. કૃષિ વીજ જોડાણની અરજીઓને ઝડપભેર મંજૂર કરાશે તેમ જણાવી વીજ ઉર્જાથી વિકાસની નવી દિશા ખૂલશે અને આવનારા દિવસોમાં રાજ્યના તમામ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી આવરી લેવાશે.

ઉર્જામંત્રીએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કુલ ૬૯ ફીડરોના ૪૫૪ ગામના ખેડૂતોના ૧૯૭૪૭ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાની પાણી પુરવઠા યોજનાઓથી લાભાન્વિત થનારા ગામો વિષે વિગતે વિગતો આપતા કહ્યું કે, નર્મદા જિલ્લાના ૩૪૯ ગામોમાં પાણી પુરવઠાની યોજનાઓ સમયમર્યાદામાં કાર્યન્વિત થશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી પૂર્વપટ્ટી વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે અને સરફેસ વોટરથી શુ સોર્સ આધારિત શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તેમના કાર્યકાળ દરમિયાન કાર્યન્વિત કરેલી કાર્ય યોજના ગુજરાતમાં ક્રમશ: અને તબક્કાવાર આગળ ધપી રહી છે. સરફેસ સોર્સ આધારિત પાણી સુવિધા સાથે નવા સોર્સ ઉભા કરવા, યોજના સુધારણાના કાર્યો, સ્ટોરેજ સુવિધા વગેરે જેવી માળખાકીય સુવિધા ઉભી કરી લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું શુંધ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યાને હંમેશ માટે હલ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતા બાવળિયાએ કહ્યું કે, ગુજરાતના ૭ હજાર ફળિયાઓમાં પીવાના પાણીની સુવિધા માટે રૂા.૯૬૫/- કરોડની જોગવાઇ કરી છે.

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પૂર્વપટ્ટી વિસ્તારના લોકોની અપેક્ષા મુજબનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે, અને તેના મીઠા ફળો આદિવાસી વિસ્તારને મળી રહ્યાં છે. પેસા એક્ટનો અમલ, જંગલની જમીન ખેડૂતોને આપવાનો નિર્ણય અને ઇકો સેન્સેટીવ ઝોન સંદર્ભે સરકારની હકારાત્મક નીતિ આદિવાસીઓના હિતમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રારંભે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી. યોગેશ ચૌધરીએ મુખ્યમંત્રી અને મહાનુભાવોને આવકારી યોજના અંગેની વિસ્તૃત વિગત પૂરી પાડી હતી.

સમારોહમાં કિસાન સૂર્યોદય યોજના અને પાણી પુરવઠા યોજના અંગેની વિડીયો ફિલ્મનું નિદર્શન કરી ઉપસ્થિત ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન,માસ્ક અને સેનિટાઈઝરનાં ઉપયોગ સાથે કોવિડ-૧૯ ની સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી ડો.જિન્સી વિલિયમ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના એમ.ડી. શાહમિના હુસૈન, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુર મહેતા, જેટકોના એમ.ડી. બી.એ.ત્રિવેદી, મહિલા અગ્રણી જીગીશાબેન ભટ્ટ, નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા સહિત જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ/અધિકારીઓ, ધરતીપુત્રો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ : નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ વય મર્યાદાને કારણે નિવૃત થયા.

ProudOfGujarat

સુરતમાં ત્રણ પેઢીથી પતંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા ધનશ્યામભાઈ કહે છે 68 વર્ષમાં પહેલી વખત ભયંકર મંદીનો સામનો પતંગ વ્યવસાયમાં કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં મોરતલાવ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!