નર્મદા જિલ્લામાં 121 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવ્યા બાદ સમગ્ર જિલ્લામાં આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે તમામ લોકો ઇકો સેન્સિટીવ મુદ્દો રદ થાય તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ખુદ ભાજપના જ સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ આ બાબતે વડાપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી હતી અને તેઓએ પણ આ બાબતે આદિવાસીઓમાં ભય અને નારાજગી હોવાની વાત કરી છે. ઉપરાંત આજે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ ઇકો સેન્સિટિવ ઝોનમાં અસર પામતા ખેડૂતોને સાથે નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં ઈકો સેન્સીટીવ ઝોન કાયદો રદ થાય તેવી તેઓએ માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવી સરકાર પર્યાવરણની જાણવણીની વાત કરે છે પરંતુ આદિવાસીઓને કાયદાકીય રીતે મળેલ સત્તા જેવી કે પાંચમી અનુસૂચિ, વન અધિકાર માન્યતા 2006, વન અધિકાર માન્યતા 2008 મુજબ અમારા વિસ્તારના જળ જંગલ જમીન જૈવ વિવિધતાની જાણવણી કરવા સામુદાયિક અધિકારો અહીંની પ્રજાને પ્રાપ્ત થયેલ છે. આદિવાસીઓની આગવી ઓળખ કાયમી રાખવાની ફરજ સરકારની છે ઉપરાંત પશુધનના રક્ષણ માટે ગામ તથા જંગલ ગૌચર ભૂમિને ઘાસચારો ઉગાડવાની યોજનાઓ લોકભાગીદારીથી બનાવવા પણ તેઓ વિનંતી કરી છે તો આ રીતે સરકાર પર્યાવરણની જાળવણી સારી રીતે કરી શકે છે.
ઉપરાંત સરદાર સરોવર નર્મદા બંધ યોજનામાં આદિવાસીઓની જમીનો બાબતે જણાવ્યું છે કે સરકારે આદિવાસીઓની જમીન મામુલી વળતર આપી આંચકી લીધી છે, ડેમની કામગીરી પુરી થયા બાદ આદિવાસીઓને જમીન પાછી આપી હોત તો સરદાર વલ્લભભાઈ પટેલના આત્માને શાંતિ થાત. ઉપરાંત આદિવાસીઓ, ખેડૂતોને અંગ્રેજો સામે સરદાર પટેલે ન્યાય અપાવ્યો આજે જળ, જંગલ, જમીન ઝુટવતા તેમની પ્રતિમા દારોજ જોઈ રહી છે.
નર્મદા જિલ્લામાં કુલ ૧.૫૦ લાખ એકર જમીન ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે તો સરકાર આદિવાસીઓની આટલી વિશાલ જળ, જંગલ, જમીન પરનો અધિકાર પર્યટન યોજનાઓ માટે લેવા શા માટે ઉતાવળી બની છે ? જેવા સવાલો અવેદનમાં કરાયા છે તો સરકાર આદિવાસીઓ સાથે અન્યાય કરનાર ઈકો સેન્સીટીવ ઝોનને અનુલક્ષીને થઈ રહેલી કાર્યવાહીને અટકાવે અને જે ગામોના નમુના નંબર ૦૬ માં ફેરફારની કાચી નોંધ પાડી છે તેને તાત્કાલિક ધોરણે રદ કરે તેવી માંગણી કરાઈ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી