પ્રધાનમંત્રી મોદીનાં ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ફી તેમજ પાર્કિંગ સહિતની રકમ બેંકમાં જમા નહિ કરી રૂપિયા ૫.૨૪ કરોડની ઉચાપતમાં વડોદરાની રાઈટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ HDFC બેંક મેનેજરે કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નર્મદા LCB અને કેવડિયા પોલીસે સંયુક્ત રીતે આ કેસમાં ૦૪ લોકોની ધરપકડ કરી હતી. કેવડિયા પોલીસે ભાવેશ પરમારની જ્યારે નર્મદા LCB એ નિમેષ પંડ્યા, જયરાજ સોલંકી તથા આશિષ જોશીની ધરપકડ કરી હતી.
આ કેસમાં તપાસ કરતા કેવડિયા DYSP વાણી દૂધાતે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓને અમે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તમામ આરોપીઓના રિમાન્ડ પણ પુરા થઈ ગયા છે. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ ઉચાપાતમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં એ બાબતે તપાસ ચાલી રહી છે, માનવા યોગ્ય પુરાવાઓ મળશે પછી શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવશે.
આ તમામની વચ્ચે આ ઉચાપાતનાં એક આરોપી ભાવેશ પરમારની જામીન અરજી સરકારી વકીલ જીતેન્દ્ર સિંહ ગોહિલની ધારદાર રજૂઆતોને અંતે રાજપીપળા કોર્ટના સેસન જજ એન.પી.ચૌધરીએ રદ્દ કરી છે. આ જામીન અરજી રદ કરવા પાછળનું કારણ કોર્ટે આપતા જણાવ્યું હતું કે “સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આંઠમી અજાયબી છે. આ પ્રોજેકટના નાણાં જાહેર જનતાના કહી શકાય, જેથી એ નાણાંની ઉચાપાત ગંભીર ગુનો ગુનો છે. કોર્ટે વધુમાં કહ્યું કે, આ આરોપીઓએ અન્ય લોકો સાથે મળી ૦૫ કરોડ કરતા વધુ રકમની ઉચાપાત કરી છે, ભવિષ્યમાં આવી છેતરપિંડી વિશ્વના લોકોને ન થાય એ ધ્યાનમાં રાખવું જોઈએ. જો આરોપીઓને જામીન પર છોડવામાં આવે તો તેઓ આવા ગુનાનું પુનરાવર્તન કરે એવી શક્યતાઓ છે, અને લોકોને આવા ગુના કરવાનું પ્રોત્સાહન પણ મળે આવા સંજોગોમાં આરોપીની જામીન અરજી રદ કરી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી