Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોરોના વિરોધી રસીકરણ અભિયાન સંદર્ભે નર્મદા ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઇ.

Share

નર્મદા જિલ્લા કલેક્ટર ડી. એ. શાહ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમના અધ્યક્ષતામાં ગત મંગળવારના રોજ સાંજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે કોરોના સંક્રમણથી બચવા માટે યોજાનારા કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લામાં બે તબક્કામાં યોજાનારા કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમમાં સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાં ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યોને ખાસ અનુરોધ કરાયો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, આર.એમ.ઓ અને ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ ડૉ. મનોહર મજીગાંવકર સહિત આરોગ્ય વિભાગના સંબંધિત તબીબી અધિકારીઓ, જિલ્લા પોલીસ, શિક્ષણ, સંકલિત બાળ વિકાસ વિભાગ, ઇન્ડીયન મેડીકલ એસોસિએશન, પશુપાલન, ડી.જી.વી.સી.એલ, માહિતી વિભાગ વગેરે સહિતના સંબંધિત વિભાગના અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી. એ.શાહે કોરોના વિરોધી રસીકરણ સાથે સંકળાયેલા તમામ અધિકારી ઓને ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યોના સતત સંપર્કમાં રહેવા, કોમોર્બિડ નાગરિકોની યાદી તૈયાર કરવા માટે મતદાર યાદીના ડેટાનો ઉપયોગ કરવા અને આ કામગીરીમાં સરપંચ, સ્થાનિક આગેવાનો, બિનસરકારી સંસ્થાઓ, હોમગાર્ડઝ, એન.સી.સી., નેહરુ યુવા કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વગેરેના સભ્યો અને ધર્મગુરુઓને સાંકળવા તથા સમગ્ર વહિવટી તંત્રને સામેલ કરવા પર ભાર મૂક્યો હતો. કોરોના વિરોધી રસીકરણ અન્વયે કેન્દ્રીય સરકારી વિભાગ સાથે સંકલન સાધવા તથા આ અંગેની તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા આ બેઠકમાં ભાર મુકયો હતો.

Advertisement

જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે કોરોના વિરોધી રસીકરણની પૂર્વ તૈયારી માટે સંપૂર્ણ સજ્જ થવા ટાસ્ક ફોર્સના સભ્યોને અપીલ કરી હતી અને જિલ્લા તથા બ્લોક લેવલે અન્ય સરકારી વિભાગોના સંકલન પર ખાસ ભાર મૂક્યો હતો. બે તબક્કામાં થનારી કોરોના વિરોધી રસીકરણની કામગીરીનો પ્રથમ અનુભવ સરળ બનાવવા તથા તે અંગેના તમામ ધારા ધોરણનો ચુસ્તપણે પાલન કરવા તેમણે ટાસ્ક ફોર્સના અધિકારીઓને તાકીદ કરી હતી. કોરોના વિરોધી રસીકરણ બાદ પણ સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા અને સેનિટાઇઝેશન ચાલુ રાખવા તેમણે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા અધિકારી ડૉ.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે કોરોના વિરોધી રસીકરણ અંગેના રાજ્ય સરકારના માઈક્રો પ્લાનિંગની વિસ્તૃત જાણકારી આપતા ઉમેર્યું હતું કે, કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ માટે લાભાર્થીઓનુ રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેની પ્રથમ તબક્કાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ માટે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા કોવિડ એપ બનાવવામાં આવે છે. ટેકનોલોજી દ્વારા સમગ્રપણે સંચાલિત થનારી આ કામગીરી હેઠળ બે તબક્કામાં કોરોના વિરોધી રસી લાભાર્થીઓને મુકવામાં આવશે, જે અંગે તમામ સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે અને તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. જે લોકો રજીસ્ટર્ડ થયેલા હશે તેમને જ રસી મૂકી શકાશે. વેક્સિનેશન થયા પછી અડધો કલાક ધ્યાન રાખવાનું રહેશે. રસીનો પહેલો ડોઝ મુકાયા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવે પછી જ બીજો ડોઝ આપવામાં આવશે.

આ બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ રસીકરણ કામગીરી માટે વેઈટિંગ રૂમ, રસીકરણ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર કરવામાં આવશે, જે મોટા, હવા-ઉજાસવાળા, પીવાના પાણીની સગવડવાળા, હેન્ડ વોશ અને સેનિટેશનની સુવિધાવાળા હશે. એક ટીમમાં ચાર ઓફિસર હશે પહેલા ઓફિસર પોલીસ,એન.સી.સી., હોમગાર્ડના હશે જે લાભાર્થીનું રસી પહેલાંનુ પૂર્વ પરીક્ષણ કરશે. બીજા ઓફિસર આધારકાર્ડ અથવા ઓળખપત્રની ખરાઈ કરશે ત્રીજા ઓફિસર રસી આપશે અને ચોથા ઓફિસર સમગ્ર કાર્યવાહીનું યોગ્ય સંકલન કરશે અને ભવિષ્યની જરૂરિયાતો માટેનું કાઉન્સેલિંગ કરશે, કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને તાલીમબધ્ધ કરવાની કામગીરી ચાલી રહી છે.

પહેલા તબક્કામાં આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓને રસી અપાશે. ખાનગી ડોક્ટર્સને પણ રસી આપવામાં આવશે. આજથી પચાસ વર્ષ પહેલા આપણે શીતળાને રસીકરણથી નાબૂદ કર્યો હતો તેવી જ રીતે ૫૦ વર્ષ બાદ યોજાનારા કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ બાબતે નાગરિકોએ અફવાઓ-ખોટી માહિતીઓ વગેરેથી સાવધ રહેવાનો પણ આ બેઠકમાં અનુરોધ કરાયો હતો.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

નબીપુર ગામે ડેંનશા પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ની ઉઠાંતરી.

ProudOfGujarat

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ના સારંગપુર પાસે આવેલ મારુતિધામ-2 માંથી દેશી તમંચો તથા કારતુસ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!