(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદાના કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શનિવારે કેવડીયાની મુલાકાત લીધી હતી.તેમની સાથે ગુજરાતનાં અગ્રણી ભાર્ગવ ભટ્ટ,પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર,ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ.એમ.તિવારી,પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓ,નર્મદા-પંચાયત વિભાગનાં અગ્રસચિવ એ.કે.રાકેશ,નર્મદા નિગમનાં સંયુક્ત વહિવટી સંચાલક સંદિપકુમાર,માર્ગ અને મકાન વિભાગનાં સચિવ સી.બી.વસાવા,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,જિલ્લાનાં અગ્રણી ઘનશ્યામ દેસાઇ સહિત નર્મદા નિગમનાં વરિષ્ઠ ઇજનેરો મંત્રીની સાથે જોડાયાં હતાં.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન દ્વારા મુખ્ય સ્ટેજ ઉપરથી પ્રજાજોગ અપાનારા સંદેશ સહિત પ્રતિમાનું અનાવરણ, જલાભિષેક,વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિમાનું પૂજન-અર્ચન જેવા કાર્યક્રમો અંગે પણ ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ સૂક્ષ્મ વિગતો મેળવી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતાં.પ્રતિમાનાં રાષ્ટ્રાર્પણની સાથે સાથે વોલ ઓફ યુનિટી, ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, એક ભારત – શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવતા દેશભરના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તૃતિ, ભારત ભવન પ્રદર્શન સહિતનાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનાં આયોજન વ્યવસ્થા અંગે પણ મંત્રી જાડેજાએ ઝીણવટભરી વિગતો મેળવી હતી.ટેન્ટ સીટી,વેલી ઓફ ફ્લાવર્સ,વોલ ઓફ યુનિટી, સભાસ્થળ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાત મુલાકાત લેતાં જાડેજાએ સંબંધિત અધિકારીઓ,એજન્સીઓને જરૂરી સૂચનો કર્યાં હતાં.
દરમિયાન રાજ્યનાં મુખ્ય સચિવશ્રી જે.એન. સિંઘ સહિત ઉચ્ચ-વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં કેવડીયા કોલોનીનાં વીવીઆઇપી સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકને સંબોધતાં જાડેજાએ કાર્ય આયોજનને આખરી ઓપ આપતા કેટલાક જરૂરી અને ઉપયોગી સૂચનો રજૂ કરી,સૌને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં રાષ્ટ્રાર્પણ કાર્ય આયોજનની સમીક્ષા અર્થે આવેલા ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે,તા.૩૧ મી ઓક્ટોબર બાદ નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત દેશનાં લગભગ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ,રાજ્યપાલ પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની મુલાકાત લેનાર છે.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે,મહાનુભાવોની મુલાકાત બાદ અહીં દેશનાં ડી.જી.પી.કક્ષાના પોલીસ અધિકારીઓની બેઠક પણ યોજાનાર છે.ઉપરાંત રોજેરોજ અહીં દરરોજ ૧૫૦૦૦ પર્યટકો મુલાકાતે આવી શકે,તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવી છે.ત્યારે બધા વાહન વ્યવહારને લક્ષમાં લઇને કેવડીયા સુધી આવતા તમામ માર્ગોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે.જ્યારે વૈશ્વિક પર્યટકોને અહીં કોઇ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અલાયદુ ટ્રાફિક પોલીસ સ્ટેશન મંજુર કરીને પર્યટકોને મદદરૂપ થવા અને અહીંના પ્રવાસીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર થાય તે માટે પણ તકેદારી દાખવવામાં આવી રહી છે.