(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
નર્મદા જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા વર્ષો પહેલા આદિવાસી ખેડૂતો પાસે એમની જમીન સંપાદન કરી હતી.તો સરકાર જે પણ ખેડૂતની જમીન સંપાદન કરે એની સામે સરકારે ખેડુતોને યોગ્ય વળતર અને ખેડવા માટે જમીન આપવી પડતી હોય છે.ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા વર્ષો સુધી યોગ્ય વળતર અને ખેડવા માટે જમીન ન અપાઈ હોવાના આક્ષેપ સાથે આદિવાસી ખેડૂતોએ દિલ્હી સ્થિત આદિજાતિ અયોગમાં દાદ માંગી ન્યાય માટે રજુઆત કરી હતી.જેને પગલે અચાનક સોમવારે રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવા,જોઈન્ટ સેક્રેટરી જેમ્સ સ્ફુટી,આર.આર.મીના સહિત અન્ય અધિકારીઓની ટિમ નર્મદા જિલ્લાની સ્થળ મુલાકાતે આવી પહોંચતા સરકારી અલમમાં ફફડાટ મચ્યો હતો.
દરમિયાન આ અધિકારીઓએ રાજપીપળા નજીકના વાવડી,સુંદરપુરા સહિત અન્ય જગ્યાઓ પર મુલાકાતે પહોંચી ગયા હતા.પોતાની આ મુલાકાત દરમિયાન પીડિત ખેડૂતોએ અધિકારીઓને પોતાને થયેલા અન્યાય મામલે માહિતગાર કર્યા હતા.તો સ્થળ મુલાકાત દરમિયાન આદિજાતિ આયોગની ટીમને પણ ખેડૂતોની માંગણી અને સરકાર સામેના આક્ષેપો યોગ્ય લાગ્યા હતા સાથે સાથે અમુક ખેડૂતોને સરકાર દ્વારા ગામની ખૂબ જ દૂર પથરાળ અને બિનખેતી લાયક જમીન ખેડવા માટે અપાઈ હોવાનું આ અધિકારીઓને ધ્યાને આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.હવે આ મામલે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી પાસેથી ખેતી લાયક જમીનનું હોવાનું પ્રમાણપત્ર મેળવી નવી જમીન ખેડૂતોને અપાવવા આદિજાતિ આયોગની ટિમ નર્મદા કલેકટર સાથે મિટિંગ કરી બાદમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગ સાથે મિટિંગ કરી આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવશે.બીજી બાજુ નાંદોદ તાલુકાની મુલાકાત કર્યા બાદ આયોગની ટિમ ડેડીયાપાડા સ્થિત ભરૂચ દૂધ ધારા ડેરીના ચિલિંગ સેંટરની મુલાકાતે ઉપડી ગઈ હોવાનું જાણવા મળે છે.
આ મામલે કેન્દ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે ખેડૂતોને એમની પસંદગીની નહિ પણ પથરાળ જમીન અપાઈ છે.સરકારી જમીનો પર તો ગેરકાયદેસર રીતે કબ્જેદારો ખેતી કરે છે.આ ખેડૂતોને નજીકમાં રહેલી સરકારી પડતર ખેતી લાયક જમીન અપાવવા સરકારમાં પ્રયાસો કરાશે.
બીજી બાજુ આદિજાતિ આયોગની ટીમના જોઈન્ટ સેક્રેટરી જેમ્સ સ્ફુટીએ જણાવ્યું હતું કે જમીન સંપાદન બાદ સરકારે અન્યાય કરાયો હોવાની આદિવાસી ખેડૂતોની ફરિયાદને લઈને અમે સ્થળ મુલાકાતે આવ્યા છે.અમુક ખેડૂતોને બિનખેતીલાયક અને ગામની છેવાડે જમીન અપાઈ છે અને અમુક ખેડૂતોને જમીન અને યોગ્ય વળતર મળ્યું ન હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે જે યોગ્ય નથી.આમે નર્મદા જિલ્લા કલેકટર સાથે મિટિંગ કરી આમને ન્યાય અપાવશું.
તો નાંદોદ તાલુકાના પીડિત ખેડૂત ભુપત વસાવાએ જણાવ્યું હતું કે મારી જમીન 2012માં સરકારે જબરદસ્તીથી સંપાદિત કરી હતી.હાલમાં જ એ જગ્યા પર આર & બી નું સર્કિટ હાઉસ બનવાની કામગીરી ચાલુ થઈ છે.અત્યાર સુધી મને સરકારે યોગ્ય વળતર કે ખેડવા માટે જમીન આપી નથી.સરકારી કચેરીઓ અને કોર્ટના ધક્કા ખાઈને અમે થાકી ગયા.