ચાલુ વરસાદી સિઝનમાં ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોને ઉભા પાક નષ્ટ થયા અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન 3700 કરોડ રૂપિયાના એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે આ પેકેજમાં નર્મદા જિલ્લામાંથી ફક્ત નાંદોદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય ચાર તાલુકાઓ બાકાત રખાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આ બાબતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ઉપરાંત ધારાસભ્ય પી ડી વસાવા સહિત આગેવાનોએ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારો અને ખેતીવાડી અધિકારીએ પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, તિલકવાડા સાગબારા, ગરુડેશ્વર તાલુકાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની બાબતે અહેવાલ મોકલ્યો છે છતાં આ તાલુકાઓને પાક નુકશાની વળતરમાંથી બાકાત રાખતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે સરકાર નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓના ખેડૂતો સાથે ન્યાય કરી પાકમાં થયેલ નુકશાનીનું વળતર મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી