સરદાર પટેલ એકતા યાત્રાના બેનરોમાંથી ના.મુખ્યમંત્રી નિતીન પટેલ ગાયબ થવો અને નર્મદા ડેમ અસરગ્રસ્તો અને આદિવાસી સંગઠનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો વિરોધ કરવાની ચીમકી બાદ બેનર ફાટતા અનેક તર્ક વિતર્ક.
જે વિસ્તારમાં બેનર ફાટ્યું એ વિસ્તારના CCTV કેમેરા ચેક કર્યા બાદ બેનર ફાટયાનું સાચું કારણ જાણી શકાશે,પણ જો કોઈ વિરીધીએ ફાડયું હશે તો નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ઊંઘતું ઝડપાયું એમ કહીએ તો ખોટું નથી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લામાં આગામી તા. ૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ કેવડીયા કોલોની ખાતે દેશના વડાપ્રધાનના હસ્તે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રતિમાનું લોકાર્પણ થનાર છે.આ લોકાર્પણમાં લોકચેતનાની શક્તિને જોડવા માટે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એકતા રથયાત્રાનો પ્રારંભ થયો છે.સમગ્ર નર્મદા જિલ્લામાં સરદાર પટેલ એકતા યાત્રાના બેનરો પણ લાગી ચુક્યા છે.પણ આ બેનરોમાં પીએમ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોટો મુકાયો હતો જ્યારે પાટીદાર આગેવાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનો ફોટો ન હોવાથી પાટીદારોમાં છૂપો રોષ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
તો બીજી બાજુ નર્મદા ડેમ અસરગ્રસ્તો સહિત ગુજરાતભરના આદિવાસી સંગઠનોએ પણ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લા બંધની જાહેરાત કરી હતી.સાથે સાથે હજારોની સંખ્યામાં ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓએ રસ્તારોકો સહિત અનેક જલદ આંદોલનો કરવાની પણ ચીમકી આપી છે.આદિવાસીઓની આ ચીમકીને લીધે સમગ્ર ગુજરાતના વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.આ તમામની વચ્ચે સોમવારે રાજપીપળામાં વાહનોના અવરજવરથી ભરચક વિસ્તાર એવા સંતોષ ચોકડી પાસે લાગેલું સરદાર પટેલ એકતા યાત્રાનું બેનર ફાટી જતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.સરદાર પટેલ એકતા યાત્રાના બેનરોમાંથી નીતિન પટેલનો ફોટો ગાયબ થવો અને સમગ્ર ગુજરાતના આદિવાદીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના વિરોધની ચીમકી બાદ રાજપીપળામાં લાગેલા એકતા યાત્રાનું બેનર ફાટી જવાની ઘટનાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધની શરૂઆત થઈ હોવાનું પણ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.હવે આ બેનર કોઈ અન્ય કારણોસર ફાટી ગયું,કે કોઈ વિઘ્નસંતિષીએ અથવા આ લોકાર્પણના વિરોધીએ ફાડી નાખ્યું હશે એ ચર્ચાનો વિષય બન્યો છે.પણ જો કોઈ વિરોધીએ જ ફાડયું હોય તો નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર ચોક્કસ ઊંઘતું ઝડપાયું છે એમ કહીએ તો ખોટું નથી.આ બેનર ફાટવાનું સાચું કારણ તો એ વિસ્તારની બેન્કોની બહાર લાગેલા CCTV કેમેરા ચેક કર્યા બાદ જ જાણી શકાશે.