વરસાદની શરૂઆત થતાં જ રાજપીપળા કાલા ઘોડાથી સંતોષ ચાર રસ્તા થઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે છતાં દર વર્ષે ચોમાસા દરમિયાન મામુલી વરસાદ પડતા જ આ માર્ગની હાલત તદ્દન ખરાબ જોવા મળે છે। ત્યારે અખબારી અહેવાલો બાદ જ તંત્ર જાગે છે અને ફરી ઢીંગડા મારી કામચલાઉ કામગીરી કરી પૈસાનો બગાડ કરતું જણાય છે. ઘણા વર્ષોથી રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા બંધ સહિતના હાઇવે પર જતો મહાવિદ્યાલય રોડ પર ભારે વાહનોની અવરજવર રહે છે પરંતુ આ માર્ગ હંમેશા ચોમાસુ શરૂ થતાં જ ખખડધજ હાલતમાં જોવા મળે છે ત્યાં પડતા ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, તેમજ રાહદારીઓને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. આ માર્ગ અંકલેશ્વર, સુરત,વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ કહી શકાય જેથી આ માર્ગ ઉપર મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે પરંતુ રસ્તો ખરાબ થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ રહે છે. ઉપરાંત વાહનોને પણ નુકશાન થવા પામે અને અમુક ચાલકો જીવ પણ ગુમાવતા હોય છે. જેથી દર વર્ષે આ માર્ગ ખરાબ થયાના અખબારી અહેવાલો બાદ જ તંત્ર જાણે જાગતું હોય તેમ સમાચારો પ્રસિદ્ધ થયા બાદ કામચલાઉ કામગીરી કરી ઢીંગડા મારે છે.
જોકે આ માર્ગ હાલ ચોમાસા પહેલા જ રી.સરફેસિંગ કરાયો છે છતાં મામુલી વરસાદમાં મોટા ગાબડા પડી જતા તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલમાં આ માર્ગ પર કપચી નાખી તંત્ર જાણે પોતાની પોલ ઢાંકવા પ્રયાસ કરતું જણાઈ છે.પરંતુ ચોમાસા બાદ આ માર્ગ યોગ્ય ગુણવત્તાવાળો અને લાંબો સમય ટકે તેવો બનાવે તો વારંવાર લોકોની તકલીફનો અંત આવે અને સરકારના રૂપિયાનો ખોટો બગાડ પણ નહીં થાય.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા