ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના પૂર્વ સદસ્ય હર્ષદભાઇ વસાવા, જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલિયમ,આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ જે.આર.ડોડીયા, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ દેસાઈ, રમણસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ જાડેજા સહિત શહેર જિલ્લાના અગ્રણીઓ અને આદિવાસી સમાજના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના રાજ્યકક્ષાના યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૧૩૬ કરોડના ખર્ચે શાળાઓ, છાત્રાલયોના કરાયેલા ઈ-લોકાર્પણ અને ખાતમૂહૂર્તમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથકે રૂપિયા રૂ।.૨૨.૩૪ કરોડના ખર્ચે ૭૮૦ વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા ધરાવતી નવનિર્મિત કન્યા સાક્ષરતા સ્કૂલ બિલ્ડીંગ- હોસ્ટેલ બિલ્ડીંગ સહિત સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અંગે ટૂંકી ફિલ્મ પણ દર્શાવાઇ હતી. રાજપીપલા મુખ્યમથકે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહને ખુલ્લો મુકતા ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમગ્ર આદિવાસી સમાજની સાથોસાથ સમગ્રતયા આમ જનતાને આજના દિનની ઉજવણી અંગે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી ૧૪ જિલ્લાની આશરે ૯૦ લાખ જેટલી આદિવાસી વસ્તીનો શિક્ષણ, આરોગ્ય, પાણી, સિંચાઈ, કૃષિ, રસ્તા, વીજળી સહિતના અન્ય તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાતમાં સને ૨૦૦૬-૦૭ માં જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં માત્ર આદિવાસી સમાજ માટે રૂપિયા ૧૪ હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકીને તેને રૂપિયા ૧ લાખ કરોડ સુધી લઈ જઈને સામાજિક સમરસતાની દિશામાં સરકારશ્રીની કટિબધ્ધતા સાથે અનેક સુવિધાઓ પુરી પાડવા ઉપરાંત સામાન્ય બજેટમાંથી પણ આદિવાસી સમાજને અન્ય લાભો પુરા પાડવામાં આવ્યાં છે.
શિક્ષણ મંત્રી ચુડાસમાએ ઉમેર્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ સુધી વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યામાં વધેલા અનેકગણા પ્રમાણને લીધે મેડિકલ, ઈજેનેરી શાખામાં અગાઉ ખાલી રહેતી જગ્યાઓ હવે પૂર્ણ રૂપે ભરાઈ જાય છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરદાર સરોવર નર્મદા નિગમના તેમના અધ્યક્ષકાળનો ઉલ્લેખ કરતા વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના કોઈપણ પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને મળતી સહાય કરતા સરદાર સરોવર ડેમના અસરગ્રસ્તોને સૌથી વધારે લાભો-સુવિધા પૂરી પાડવાની સાથે સરકારનું મન ખુલ્લું અને હકારાત્મક રહ્યું છે. આદિવાસી સમાજના પૂ. બિરસામુંડા, ગોવિંદ ગુરુ, વેગડા ભીલ વગેરે જેવા વીર પુરુષોના બલિદાન/યોગદાનની સ્મૃતિ તાજી કરતા ચુડાસમાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં, દેશના વિકાસમાં અને ધર્મની રક્ષામાં આદિવાસી સમાજનું યોગદાન પણ અન્ય સમાજની જેમ જ રહ્યું છે, જેનો ઇતિહાસ ગવાહ રહ્યો છે. UNO એ ખાસ નોંધ લઇને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે માન્યતા આપી છે, તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું. સામાજિક સમરસતા એ સમાજની શોભા છે. તેમ જણાવી ચુડાસમાએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સામાજિક સમરસતા છાત્રાલયોને શૈક્ષણિક ઉત્થાનની સાથે સામાજિક સમરસતાનું સૌથી મોટું પગલું ગણાવ્યું હતું. ૧૯૯૧ માં ગુજરાતમાં આદિવાસી સમાજનુ ૨૯.૬૭ ટકાનું સાક્ષરતાનું પ્રમાણ વધીને સને ૨૦૧૧ માં તે ૪૯.૯ ટકાએ પહોંચ્યું છે, જે ૨૦ વર્ષમાં ૨૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. હજીપણ ૨૦૨૧ માં આ સાક્ષરતા દરમાં નોંધપાત્ર વૃદ્ધિ જણાશે. શ્રી ચુડાસમાએ હાલમાં કોરોના મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન-ઓફલાઇન દ્વારા વિદ્યાર્થીઓને અપાઇ રહેલા શિક્ષણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સમારોહમાં અતિથિ વિશેષ પદેથી નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારે દેશનો વહીવટ લોકશાહી ઢબે ચલાવવા માટે દેશના બંધારણમાં આદિવાસી સમાજને ખાસ હક્કો આપ્યા છે, ત્યારે તેના જતનની સાથોસાથ આદિવાસી સમાજની ભાષા, સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસને સાચવવાનો અને જાળવવાનું કામ શાસનકર્તાઓનું રહ્યું છે. કોઈપણ વ્યક્તિનો વિકાસ શિક્ષણ થકી જ શક્ય છે, ત્યારે આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર સાથે શિક્ષણનો વ્યાપ વધે તે જોવાની પણ વસાવાએ હિમાયત કરી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ચુડાસમા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના શિક્ષણ, કલા, સંસ્કૃતિ, પશુ-પાલન ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી પ્રતિભાઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું. તદઉપરાંત, વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનની સનદો અને માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને સાધન-સહાય કિટસનું વિતરણ કરાયું હતું.
પ્રારંભમાં પ્રાયોજના વહીવટદાર બી.કે.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભારદર્શન કરાયું હતું.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા