રાજપીપળા શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ તંત્રની મહેરબાનીથી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. જેમાં શહેરનાં મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ ઉપર કાયમ ઉભરાતી ગટરોથી વેપારીઓ કંટાળી ચુક્યા છે.રોજ સવારે દુકાનો ખોલતાની સાથે જ ગટરો સાફ કરવાની નોબત આવે છે. ખતરનાક દુર્ગંધ મારતું ગંદુ પાણી જોઈ ગ્રાહકો પણ આ દુકાનોમાં ખરીદી કરવા જતાં અટકે છે. રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના તો ખોરંભે પડી છે પરંતુ સ્ટેટ સમયની ખુલ્લી ગટરો પણ યોગ્ય સફાઇ ન થતા તેનું ગંદુ પાણી માર્ગો ઉપર ફરી વળવાની રોજની સમસ્યા જોવા મળતી હોય પાલીકામાં રજુઆત બાદ પણ કોઈ ખાસ ઉકેલ ન મળતા વેપારીઓ કે સ્થાનિક રહીશો જાતે જ સફાઈ કરવા મજબુર બને છે. જોકે આમાં કેટલાક વિસ્તારોમાં લોકો પણ જાગૃત ન હોવાના કારણે ઘરનો કે આંગણાનો કચરો ગટરોમાં ઠાલવતા હોવાથી ગટર ચોકપ થતી જોવા મળે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાલીકાનાં સફાઈ કામદારો પણ કચરોવાળી લારીમાં ભરવાના બદલે ગટરોમાં ધકેલી દેતા આવી નોબત આવે છે. ત્યારે પાલીકાતંત્ર સફાઈ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા