નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ-મહામંત્રીની વરણીનું ભૂત ફરી ધુણ્યું છે.અગાઉ નર્મદા જિલ્લાનાં વર્તમાન પ્રમુખ વિરુદ્ધ જુના જોગીઓએ પ્રદેશ કક્ષાએ ઘણી ફરિયાદો કરી હતી. હાલમાં જ નર્મદા જિલ્લાના ભાજપ સમર્થીત સરપંચોની કોરા કાગળ પર સહિ લેવાનો એક મામલો સામે આવ્યો છે.નર્મદા જિલ્લામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નર્મદા જિલ્લા ભાજપનાં વર્તમાન પ્રમુખ-મહામંત્રીને રિપીટ કરવા સરપંચોના લેખિત સંમતિ પત્ર સીએમ રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલવા પૂર્વ તૈયારીના ભાગ રૂપે સરપંચોને અંધારામાં રાખી એમની કોરા કાગળ પર સહી કરાવી લેવાઈ છે, અમુક સરપંચો પણ આવો આક્ષેપ કરી રહ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જ બાબતની ફરિયાદ નર્મદા જિલ્લા સરપંચ સંઘને મળતા સરપંચ સંઘનાં હોદ્દેદારોની નવા સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી. જેમાં નર્મદા જિલ્લા ભાજપના જુના જોગીઓ અને પ્રમુખ-મહામંત્રી પણ હાજર રહ્યા હતા.એ બેઠકમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર હતો.એ બેઠકમાં આ વિવાદને લઈને જિલ્લા ભાજપના એક હોદ્દેદારે સરપંચોના સહી વાળા કોરા કાગળો ફાડી નાખ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરપંચ સંઘ દ્વારા અગાઉ એક આવેદનપત્ર અપાયું હતું કે ઈ-ટેન્ડરિંગ રદ કરો.તો સરપંચોની એ જ રજૂઆત સીએમ સુધી પહોંચાડવા કાર્યવાહી કરી રહ્યા હતા.અમે કોઈ સરપંચ પાસે કોરા લેટરપેડ પર સહી કરાવી નથી કે અંધારામાં રાખ્યા નથી.જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે સરપંચની સંમતિની જરૂર પડતી જ નથી.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદારોએ સરપંચ સંઘને ગેરમાર્ગે દોર્યા છે.સર્કિટ હાઉસમાં એક બેઠક મળી હતી જેમાં સરપંચ સંઘના હોદ્દેદારો પણ હતા એમની સામે જ આ આક્ષેપનું ખંડન થયું છે, હું કોઈ પણ કામ પાર્ટીના કાર્યકરોને અંધારામાં રાખી કરતો નથી. નર્મદા જિલ્લામાં ઈ-ટેન્ડરિંગ રદ કરવા સરપંચ સંઘ આંદોલન ચલાવી રહ્યું છે.જિલ્લા ભાજપ દ્વારા સીએમ રૂપાણીને આ બાબતે રજુઆત કરવા ભાજપ સમર્થીત સરપંચોને આગળ કરાયા છે.ત્યારે આ કાર્યવાહી બાબતે જેણે અગાઉ આંદોલન ચાલુ કર્યું એવા સરપંચ સંઘને વિશ્વાસમાં લીધા નહિ હોય, શુ ખરેખર જિલ્લા ભાજપ પ્રમુખ નવી ટર્મ માટે રિપીટ થવા આ કાવાદાવા કરી રહ્યા હશે કે પછી ખરેખર ઈ-ટેન્ડરિંગ રદ કરવાની કાર્યવાહી છે એ પ્રશ્ન હાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.
મોન્ટુ શેખ, રાજપીપળા