ભચરવાડાની મહિલા સરપંચ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી દરમિયાન કુંવરપરા ગામના 3 લોકોએ એની સાથે અસભ્ય વર્તન કર્યું, જો પંચાયતમાંથી રાજીનામુ નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ.
હજુ થોડા દીવસો પહેલા જ નંદોદના બીતાડા ગામે પ્રેમ લગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકના માતા-પિતાને ઢોર માર માર્યો હતો.અને યુવકની માતાને ખૂંટે બાંધી એની સાથે અત્યાચાર કર્યો હોવાના કિસ્સાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાંતો નાંદોદ તાલુકામાં જ મહિલા પર અત્યાચારનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે.નાંદોદ ભચરવાડાની વિધવા મહિલા સરપંચે પોતાને કુવારપરા ગામના 3 વ્યક્તિઓએ જો પંચાયતમાંથી રાજીનામુ નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગુજરાતના સીએમને રજુઆત કરતો એક પત્ર નર્મદા કલેકટર,પોલીસ વડા અને ટાઉન પીઆઈને સુપ્રત કર્યો છે.
નાંદોદ ભચરવાડા ગ્રામપંચાયતની મહિલા વિધવા સરપંચ સુમિત્રા નરેશ વસાવાએ પોતાની લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે,હું અમારા કુટુંબીજનોને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઇ હતી ત્યારે ભચરવાડા ગામના પ્રતાપ વિઠ્ઠાલ વસાવા,બચુ ભાઈલાલ વસાવા તથા મહેશ પાંચિયા વસાવા તને તો સમાજમાંથી દૂર કરી છે,તું લગ્નમાં કેમ આવી એમ કહી મારી સાથે અસભ્ય વર્તન કર્યું હતું,અને જો પંચાયતમાંથી રાજીનામુ નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ત્રણેવ લોકોએ અગાઉ અમે ગ્રાન્ટમાં ઉચાપત કરી હોવાની ખોટી ફરિયાદ પણ કરી હતી.એમની ફરિયાદ બાદ ગાંધીનગરથી તપાસમાં આવેલી ટીમને પણ કોઈ ભ્રષ્ટાચાર દેખાયો ન હતો.તેઓ પંચાયતની કામગીરીમાં ખોટી અડચણો ઉભી કરે છે.ભચરવાડા ગામમાં ગુજરાત સરકારે એન્જીનીયરીંગ કોલેજ મંજુર કરેલી છે એ જગ્યા અમે વેચી મારી હોવાના ખોટા આક્ષેપો કરી મને બદનામ કરવા કાવતરું કરે છે.બચુ ભાઈલાલ વસાવા ગામની ગૌચર જમીન પચાવી પાડી ખોટી દાદાગીરી કરે છે.તો આ ત્રણેવ માથાભારે વ્યક્તિઓને સામે કાયદેસરની કાર્યવાહી કરાય એવી મારી માંગ છે.