હાલ રાજપીપલા નગરપાલિકા વેરા વધારવા બાબતે ખાસ ચર્ચામાં આવી છે રાજપીપલા નગરપાલિકા પાસે સ્વભંડોળનાં નાણાં નથી તેમજ પગાર કરવા માટે પણ પૈસા નથી, તેમ ખુદ પાલિકાનાં સત્તાધીશો જણાવે છે. પાલિકાનાં ખાડે ગયેલ વહીવટ માટે શું રાજપીપલાની પ્રજાને બલીનો બકરો બનાવશે ? તેવી નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સત્તા અને વિપક્ષનાં 24 સભ્યો પૈકી 18 સભ્યોએ નગરજનોનાં માથે આકરો કરવેરા લાગુ કરવાની મંજુરી આપી દેતાં શહેરીજનોએ વાંધા અરજીઓનાં રૂપમાં ઢગલાબંધ વાંધા અરજીઓ આપીને પ્રચંડ વિરોધ નોંધાવતા, પ્રમુખે પી.સી બોલાવીને વિરોધીઓનું કાવતરું ગણાવી હાથ ખંખેરી નાંખ્યા હતાં, અને લોકોના સુચનો સાંભળીને પછી યોગ્ય લાગશે તો જ નજીવો વેરો વધારીશુ તેવું રટણ કર્યુ હતું. પરંતુ ગઈ કાલે પાલીકાનાં ઉઘરાણાદારો લારી, ગલ્લાં અને પથારાઓવાળા પાસે નવો વેરો 5 રૂ.ના બદલે 20 રૂ. કરી દઈ ઉઘરાવવા નિકળી પડતાં લોકોએ જાકારો આપ્યો હતો, જેના વળતા પ્રહારમાં મુખ્ય અધિકારીએ નગરમાં ઠેરઠેર નોટીસો ચોંટાડીને જો નવો વેરો આપવામા નહીં આવે તો લારી, ગલ્લાં અને પથારાં જપ્ત કરવામા આવશે તેવી કાયદાની ભાષામાં ચિમકી આપતાં લારી, ગલ્લાં અને પથારાંવાળાઓનું ટોળું પાલિકા ઉપર વિરોધ દર્શાવવા પહોંચ્યું હતું. લારી ગલ્લા વાળાઓએ જણાવ્યું હતું કે એકાએક આ રીતે પાલિકા દ્વારા લારી ગલ્લાવાળાઓનું દોઢસો ગણું ભાડું વધારી દેતા મુશ્કેલી ઉભી થઇ છે. આટલું ભાડું પોષાય તેમ નથી વધારવું હોય તો વ્યાજબી વધારો કરાય તેવી મંગણી કરી હતી. આ બાબતે પાલિકાના પૂર્વ સભ્ય સંજય ભાઈ માછીએ જણાવ્યું હતું કે હજુ વાંધા અરજી મંગાવાની છેલ્લી તારીખ આવતીકાલે 5 જૂન છે તે પહેલાં પાલિકા દ્વારા લારી ગલ્લાઓ ઉપર તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે તે ખોટું છે. ઉપરાંત પાલિકા પ્રમુખે સામાન્ય સભા બોલાવી વેરા બાબતે નિર્ણય લઈશું તેમ જણાવ્યું હતું. તો આ કેવો નિર્ણય?? સંજય ભાઈએ વિરોધ નોંધાવ્યો હતો. તો આ બાબતે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે લોકોની લાગણી સંદર્ભે વિચારણા કરી પ્રમુખ સાથે ચર્ચા કરી નિર્ણય લઈશું ત્યારસુધી જે જૂનો વેરો છે તે ચાલુ રહેશે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા,નર્મદા
રાજપીપળા નગરપાલિકા દ્વારા સામાન્ય સભા બોલાવ્યા વગર જ લારી ગલ્લાનાં 5 રૂપિયાથી વધારીને 20 રૂપિયા વસુલાતા રોષ : ગલ્લાં અને પથારાંવાળાઓનું ટોળું પાલિકા ઉપર વિરોધ દર્શાવવા પહોંચ્યું.
Advertisement