નર્મદા જિલ્લામાં ખનીજ માફિયા પ્રકરણ વારંવાર પ્રકાશમાં આવ્યું છે ત્યારે તેમાં તંત્રનાં કેટલાક ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીઓની મિલીભગતનાં કારણે પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની વાત પણ વારંવાર સામે આવી જ છે. ત્યારે સુરત પારસિંગની ગેર કાયદેસર ઓવરલોડ રેતી ભરી જતી હાઈવા ટ્રકને ખાણ ખનીજ વિભાગે સીઝ કરી હતી તેની પણ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ થતા તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહયા છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ખાણ ખનીજ વિભાગનાં સર્વેયર તથા માઇન સુપરવાઇઝર (ઈન્ચાર્જ) રાજીવકુમાર રામાભાઈ રાઠોડની ફરિયાદ મુજબ તેમણે ગેર કાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી હાઇવા ટ્રક નં GJ 05.BX 784 ને પકડી સીઝ કરી ગરૂડેશ્વર ખાતેની રૂત્વીક કંપનીના કંપાઉન્ડમાં મુકી હતી ત્યારબાદ આ હાઇવા ટ્રક કોઈ અજાણ્યા વ્યક્તિઓ રેતી સહીત જાણ કર્યા વિના અંદાજે ૧૩,૧૩,૯૦૦/- ની ટ્રક ચોરી કરી લઇ જતા આ બાબતે રાજીવકુમાર રાઠોડે ગરુડેશ્વર પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા