હાલ કોરોના વેશ્વીક મહમારીથી લોક ડાઉન કરવામાં આવ્યું જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેનસિંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. 30મી મેં ના રોજ ગુજરાત કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો. એ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો. બીજી બાજુ આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ કાલે કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસી ઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી. જેને પગલે 31મી મેં ના રોજ નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલિસ કાફલો ખડકી દેવાયો હતો. જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલિસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. દરમિયાન અમુક લોકોએ પોલીસ સાથે અણછાજતું વર્તન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ડો.પ્રફુલ્લ વસાવાને સહિત સ્થાનિક આગેવાનો ને પોલીસે ડિટેન કર્યા હતા. તો બીજી બાજુ કેવડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદીવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો હતો. રસ્તા પર ઉતરતી મહિલાઓએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે નર્મદા જિલ્લા પોલિસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગામોમાં આદિવાસી સંગઠનો દ્વારા થનારા સંભવિત વિરોધને પગલે જિલ્લાના તમામ પોઇન્ટ પર પોલીસ ખડકી દેવાઈ છે. હાલ લોકડાઉન અમલી બનાવાયું છે. જેથી કોઈ પણ વ્યક્તિ રાજકીય મેળાવડા કરતા પકડાશે એની પર કાર્યવાહી કરવામાં આવશે.
મોન્ટુ શેખ :- રાજપીપળા