રાજપીપળા કરજણ ઓવારેથી રામગઢને જોડતા પુલનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. ઘણા મજૂરો આ પુલનું કામ કરી રહ્યા છે, જલ્દી જ આ પુલનું કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે મંગળવારે બપોરે ૩ વાગ્યાનાં અરસામાં આ પુલ પર ૨૫ ફુટ જેટલી ઊંચી રેલીંગ પર કામ કરતો મજુર નીચે પડી જતાં ગંભીર ઇજા થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપભાઈ ચતુરભાઈ બારીયા નામનો મજુર આ પુલની રેલીંગ પર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ રેલીંગનું સમતુલન ખોરવાતા દીલિપ બારીયા રેલીંગ સાથે જ લગભગ ૨૫ ફુટની ઊંચાઈએથી નીચે પડી જતા બીજી રેલિંગો પણ તેના ઉપર પડી હોવાનું જાણવા મળ્યું હતું.જોકે દીલિપ બારીયાનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.એટલી ઊંચાઈ પરથી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ બધા મજૂરો દોડી આવ્યા અને બ્રિજનું કામ થોડા સમય માટે થંભી ગયું હતું. આ ઘટના દરમીયાન લાલ ટાવર પાસે રહેતા સામાજિક આગેવાન રાજુભાઈ રાઉલજી ત્યાં પુલ નજીક નદીના ઓવારા પાસે જ હોય તેમણે ૧૦૮ ને ફોન કરી બોલાવી હતી અને દિલીપભાઈને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા.જોકે જાણવા મળ્યા મુજબ દિલીપ બારીયાને છાતીમાં દુખાવો થતા તેને વડોદરા રીફર કરાયા હતા. જાણવા મળ્યા મુજબ પુલનું કામ જોરમાં ચાલુ છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો આપવામાં નથી આવ્યા. સેફ્ટીનાં સાધનો ન હોવાથી આ બ્રિજ પર કામ કરતા મજૂરોનાં જીવનું જોખમ બમણું થઇ જાય છે. કરોડોનાં ખર્ચે બની રહેલા આ બ્રીજનાં કોન્ટ્રાકટર પાસે શું મજૂરોની સેફ્ટી માટેનાં સાધનો જ નથી ? જો આ મજૂરોને સેફ્ટીનાં સાધન આપ્યા હોત તો આ દુર્ઘટનામાં મજૂર ઇજાગ્રસ્ત થતા બચી શક્યો હોત,આવી ગંભીર બેદરકારી બાબતે તંત્ર એ પણ કોઈ જ તકેદારી ન રાખી ?જો આજની આ દુર્ઘટનામાં મજૂરે જીવ ગુમાવ્યો હોત તો એ માટે જવાબદાર કોણ ? કરોડોનાં ખર્ચે બની રહેલા આ પુલનાં મજૂરો સેફ્ટીનાં સાધનો વગર જ જીવના જોખમે કામ કરે છે. કોન્ટ્રાકટર અને લાગતા વળગતા તંત્રના અધિકારીની નિષ્કાળજી કે મિલી ભગત બાબતે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.સાથે સાથે મજૂરોને સેફ્ટીનાં સાધનો બાબતે પણ કાળજી લેવાય તે જરૂરી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા