પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા ૮ કરોડનાં ખર્ચે ધર્મશાળા સહિત વિવિધ સુવિધાઓનું નિર્માણ કરાશે.
આ દબાણો દૂર કરવાની ઘટના મુદ્દે કોર્ટમાં જવાની નર્મદા જિલ્લા પંચાયતના કા.અધ્યક્ષે ચીમકી આપી,
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લામાં આવેલા સાગબારા તાલુકાના દેવમોગરા મંદિર પરિસરનાં વિકાસ માટેની જવાબદારી સરકાર દ્વારા પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે.જેને લઈને મંદિર પરિસરમાં આવતા ગેરકાયદેસારના દબાણો દૂર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશો પણ કરાયા હતા.આ આદેશને લઈને દબાણો દૂર ન કરવા સ્થાનિક આદિવાસીઓ દ્વારા અગાઉ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત પણ કરાઈ હતી.અને જો રજુઆત મુદ્દે કોઈ યોગ્ય પગલાં ન ભરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.પરંતુ આ ચીમકીને અવગણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર પરિસરમાં આવેલા ૨૧૫ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.આ તબક્કે સ્થાનિક લોકોએ તંત્રનો વિરોધ પણ કર્યો હતો.જોકે અહીં નવી બનનારી દુકાનો સ્થાનિક લોકોને જ ફાળવવામાં આવશે તેવી પણ તંત્રએ ખાતરી આપી હતી.
સાગબારા તાલુકાનાં દેવમોગરા ખાતે આવેલા આદિવાસીઓની કૂળદેવી દેવમોગરા યાહા દેવમોગીનાં મંદિર પરિસરમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જેને અનુલક્ષીને શનિવારે જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર મંદિર પરિસરમાં આવેલા ગેરકાયદેસર કાચા ઝૂંપડા અને દુકાનો સહિત 215 જેટલા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.આ મંદિર પરિસરમાં પ્રવાસનને વેગ આપવા ૮ કરોડનાં ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે સ્થાનિક લોકો માટે ૨૭૫ જેટલી દુકાનો બનાવવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.જોકે આ દબાણો હટાવવાની કામગીરી દરમિયાન એક તબક્કે સ્થાનિક લોકોએ તંત્રનો વિરોધ કરી અધિકારીઓને સ્થળ પર જ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.તો સ્થાનિકોના વિરોધનો પહેલેથી જ અણસાર આવી ગયો હતો જેથી અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેલેથી જ ખડકી દેવાયો હતો.પ્રવાસન વિભાગ દ્વારા આ મંદિર પરિસરનાં વિકાસ માટે ધર્મશાળા, ટોઈલેટ બ્લોક,બે સ્વાગત ગેટ,પાકા રસ્તા બનાવવાનું નક્કિ કરવામાં આવ્યું છે.
આ ઘટના મુદ્દે નર્મદા જિલ્લા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે, મંદિર પરિસરની આસપાસમાં આવેલી ૨૧૫ કાચી-પાકી દુકાનો જિલ્લા કલેક્ટરના આદેશથી તોડી નાંખી છે.જે પેસા એક્ટનો ઉલ્લંઘન છે.સરકાર આદિવાસીઓના હક અને અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરે છે.આદિવાસી ક્ષેત્રમાં સરકાર સ્થાનિક લોકોનાં જીવન સામે ખતરો ઉભો કરી અહીંના લોકોને નકસ્લવાદમાં ખપાવવા અને આદિવાસીઓમાં ડર ઉભો કરી રહી છે.આ બાબતે અમે કોર્ટમાં પણ જઈશું.