રાજપીપળા પાલિકા હાલ આર્થિક રીતે કંગાળ થઈ ગઈ છે.એનો પુરાવો એ છે કે ઘણા કર્મચારીઓનો પગાર બાકી છે, વીજ બિલ બાકી છે, કર્મચારીઓના ઇપીએફના કરોડો રૂપિયા પણ ચૂકવવાના બાકી છે. હવે પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો વેરા વધારવા જરૂરી બન્યા છે.રાજપીપળા પાલિકા દ્વારા હાલ વેરા વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે, દૈનિક અખબારમાં જાહેરાત આપી શહેર વાસીઓ પાસે વાંધા મંગાવ્યા છે.તો બીજી બાજુ રાજપીપળા પાલિકાના સત્તા પક્ષ અને વિપક્ષ મળી કુલ 6 સભ્યોએ વેરા વધારવાના એજન્ડા પર સહી ન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન રાજપીપળામાં એક અનોખી ઘટના ઘટી હતી, અમુક સફાઈ કર્મચારીઓ વેરા વધારાનો વિરોધ કરતા તમામ 6 સભ્યોની ઘરે વારા ફરથી ગયા હતા અને વેરા વધારવા સંમતિ આપવા રજૂઆત કરી હતી.આ ઘટના એ બાબત સાબિત કરે છે કે રાજપીપળા પાલિકાએ વેરા વધારવાની સંમતિ માટે પાલિકાના કર્મચારીઓનો સહારો લીધો છે.આ બાબતે રાજપીપળા પાલિકા અપક્ષ સભ્ય મહેશ વસાવા અને કોંગ્રેસના સભ્ય કમલ ચૌહાણે જણાવ્યું હતું કે અમારી ત્યાં રાજપીપળા પાલિકાના 40-50 જેટલા સફાઈ કર્મચારીઓ આવ્યા હતા અને કહ્યું હતું કે સાહેબ તમે વેરા વધારવા સંમતિ આપો તો અમારો પગાર થશે.વેરાને અને પગારને શુ લેવા દેવા છે, સફાઈ કર્મીઓનો પગાર નથી થતો. વેરા વધારવા અમે સંમતિ આપીએ એટલે પગારનું બહાનું કાઢી સફાઈ કર્મચારીઓ પર કોઈક ચૂંટાયેલો સભ્ય અથવા અધિકારી પ્રેસર ટેક્નિક અપનાવે છે, એ બિલકુલ યોગ્ય ન કહેવાય. કોંગ્રેસના સભ્ય કમલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે જો મહેકમ મુજબ કર્મચારીઓની ભરતી કરાય તો આટલા જ વેરામાં બધાના પગાર થઈ જાય.વેરો વધારવો એ યોગ્ય ન કહી શકાય.જ્યારે ભાજપના સભ્ય સંદીપ દશાંદીએ જણાવ્યું હતું કે મારા ઘરે પણ સફાઈ કર્મચારીઓ આવ્યા હતા અને કહ્યું હતું કે તમે જો વેરા વધારવા સંપત્તિ આપો તો અમારો પગાર થશે બાકી પગાર નહિ થાય.તો મેં એમને એમ જણાવ્યું કે આમાં તમારો લોકો ઉપયોગ કરે છે.જો અમે વેરા વધારવા મંજૂરી આપી પણ દઈએ તો એના રૂપિયા 2021 માં જ આવશે હમણાં નહિ આવે તમારા પગાર અને વેરા વધારાને કોઈ જ લેવા દેવા નથી.તો બીજી બાજુ રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટ આ બાબતથી બિલકુલ જ અજાણ હતા, એમણે જણાવ્યું હતું કે મને આવી કોઈ બાબતની ખબર નથી. તો હવે આ સફાઈ કર્મચારીઓને કોણે મોકલ્યા એ પ્રશ્ન હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.પણ એક બાબત નક્કી છે કે વેરા વધારવાની લ્હાયમાં બિચારા સફાઈ કર્મચારીઓ જરૂર પીસાઈ રહ્યા છે.
મોન્ટુ
રાજપીપલા નર્મદા