નર્મદા જિલ્લામાં રોજમદારોને કાયમી કરી વર્ગ 4 માં લેવામાં આવ્યા હતા.એવા 9 રેન્જોમાં વિવિધ જગ્યાએ કામ કરતા 300 કર્મચારીઓ છે.આ તમામ કર્મચારીઓનો માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાથી પગાર થયો નથી અને આ બે મહિનાથી કોરોનાનો કહેર ચાલુ હોય છેલ્લા 45 દિવસથી લોકડાઉનમાં આ કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.આ તમામ કર્મચારીઓ પોતાનો પગાર વહેલી તકે થાય તેવી માંગ કરી રહ્યા છે.આવા આખા ગુજરાત રાજ્યમાં 5000 થી વધુ કર્મચારીઓ છે. જેમનો પણ પગાર ન થતા અને જરૂરી માંગણીઓ ન સંતોષાતા ગુજરાત વન શ્રમયોગી સંઘ દ્વારા મુખ્ય મંત્રીને રજૂઆત કરાય છે. અત્રે ઉલ્લખનીય છે કે આ વન કર્મચારીઓનો નિયમિત પગાર થતો નથી.29 ઓક્ટોબર 2010 ના પરિપત્ર મુજબ આ તમામ કર્મચારીઓને રોજમદારોમાંથી વર્ગ 4 ના કાયમી કર્મચારીઓ બનાવ્યા હતા, 25 ફેબ્રુઆરી 2015 ના પરિપત્ર મુજબ ત્યારથી અત્યાર સુધી તેમને તીજોરી કચેરી મારફત પગાર ચુકવવામાં આવતો નથી કેમ કે વન વિભાગ આ રોજમદાર કર્મચારીઓને વર્ગ 4 માં લીધા પછી કોઈ તેમનું મહેકમ બનાવતું નથી અને જેને લઈને તિજોરી શાખા તેમનો પગાર કરતી નથી.વન વિભાગ અને તિજોરી શાખાની સમસ્યા છેલ્લા 5 વર્ષથી ટલ્લે ચઢેલી હોવા છતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતાના જ કર્મચારીઓ માટે કશુ કરતા નથી.જેથી આ પગારની સમસ્યા કાયમ થાય છે. આ તમામ પ્રશ્ન હલ કરે એવી રાજ્યના 5000 કર્મચારીઓની માંગ મુખ્યમંત્રી સુધી પહોંચી છે.હવે મુખ્યમંત્રી શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
મોન્ટુ
રાજપીપલા નર્મદા