કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.એન.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની શાળાઓના ધોરણ-૩ થી ધોરણ-૯ ના બાળકો રમતા રમતા ડિજીટલ માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. ઝૂમ એપ્લિકેશન દ્વારા વિડીયો કોન્ફરન્સ કરીને આ માહિતી શિક્ષકો સુધી પહોંચાડવામાં આવે છે અને શિક્ષકો દ્વારા જરૂરી સાહિત્ય વાલીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બોરીદ્વા ગામના શિક્ષક શ્રી અનિલભાઇ મકવાણા જ્યાં નેટવર્ક ન આવતું હોય તેવા ગામમાં ઘરે જઇને બાળકોને પરિવારનો માળો સલામત અને હૂંફાળો, રમત રમાડવી,બાળ વાર્તા કહેવી, બાળ ગીત, સંદેશ, વિવિધ પ્રવૃત્તિ તેમજ કોરોના વિશેની માહિતી બાળકો અને ગામ લોકોને ઘરે-ઘરે મુલાકાત દ્વારા સમજાવે છે. લોકોને માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવી રહ્યા છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. એન.ડી.પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે સરકારશ્રી તેમજ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ તમામ બી.આર.સી, ટી.પી.ઓ અને ડી.વાય ડી.પી.ઓ દ્વારા ઝૂમ એપ્લીકેશન દ્વારા જિલ્લાના બાળકોને શિક્ષણનું સ્ટડી મટીરીયલ્સ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જ્યાં નેટવર્કની સુવિધા છે ત્યાં ઓનલાઇન અને નેટવર્ક નથી ત્યાં હાર્ડકોપી તમામ બાળકોને સ્ટડી મટીરીયલ્સ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તમામ બાળકોને ઓનલાઇન મટીરીયલ્સ મળી રહે છે અને ઘરે બેઠા બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમજ કેટલાંક શિક્ષકો ઘરે બેસી વિડીયો બનાવે છે અને તમામ વિડીયો બાળકોને મોકલવામાં આવે છે અને કોઇ બાળકને પ્રશ્ન હોઇ તો શિક્ષકને ફોન કરીને પુછી લે છે. આ ઉપરાંત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણા જે ઘરે જઇને બાળકોને શિક્ષણની જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીને લોકડાઉનની પરિસ્થિતિમાં શિક્ષણ કાર્ય ન બગડે તેનું ખાસ ધ્યાન રાખતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના શિક્ષક શ્રી અનિલભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ભારતમાં હાલ નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકડાઉન દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે બાળકોને “સ્ટડી ફ્રોમ હોમ” ના કન્સેપ્ટ અંતર્ગત ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેમજ મટરીયલ્સ પણ આપવામાં આવે છે પરંતુ બોરીદ્વા ગામ પહાડી અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવાથી નેટવર્કનો પ્રોબલેમ રહેવાથી હું પોતે જ આ ગામમાં આવીને બાળકોના ઘરે ઘરે જઇને શિક્ષણ આપી રહ્યો છું. તેની સાથોસાથ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આમ સેવાનાં ઝરણા રૂપે શિક્ષણ સેવાની સાથે સમાજ સેવા પણ કરી રહ્યા હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના વાલીશ્રી સુભાષભાઇ લક્ષ્મણભાઇ વસાવા જણાવે છે કે, લોકડાઉનના સમયમાં પણ અમારા ગામના ગુરૂજી અમારા ઘરે આવીને શિક્ષણની પ્રવૃતિ સાથે બાળકોને અભ્યાસ કરાવે છે અને અભ્યાસની સાથે કોરોના વાયરસ સામે સાવચેતી અને જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપે છે એટલે હું અમારા ગામના ગુરૂજીનો આભાર માનું છું. બોરીદ્રા ગામની વિદ્યાર્થીની જયાબેન સુભાષભાઇ વસાવા તેણીના પ્રતિભાવમાં જણાવે છે કે, અમારા ગામમાં નેટવર્ક ન આવવાને લીધે અમારા ગામના ગુરૂજી અમારા ઘેર આવીને અમને શિક્ષણ આપતા હોવાથી અમારો સમય અભ્યાસમાં જાય છે અને કોઇ પ્રશ્ન હોય તો અમે ફોન કરીને પુછી લઇએ છીએ અને જે તે મુંઝવણનું નિરાકરણ કરીએ છીએ જેથી મારા ગુરૂજીની આ સેવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.
મેટર મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો