ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વૈશ્વિક મહામારીની સામે લોકો ઝઝૂમી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ હિંદુ સંગઠન દ્વારા મુશ્કેલી વેઠી રહેલા મુસ્લિમ પરિવારના સભ્યોને અનાજની કીટનું વિતરણ કરી હિન્દુ-મુસ્લિમ એકતાનાં દર્શન કરાવ્યા છે.ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળામાં રબર છાપ યુવાને હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનું હીન કૃત્ય કરતા પોલીસે એની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત થઈ પોતાનો જીવ ગુમાવનાર અમદાવાદના કૉંગ્રેસી કોર્પોરેટર બદરુદ્દીન શેખ વિરુદ્ધ રાજપીપળા નવાપરા ખાતે રહેતો ચિરાગ ઈશ્વર કોળી પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ વાયરલ કરી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય અને હિન્દુ મુસ્લિમ એકતાને નુકસાન થાય, કોઈ ધર્મની લાગણી દુભાઇ તે રીતે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી ગુનાહીત કૃત્ય કરતા જિલ્લાના પોલિસ વડા હિમકર સિંહની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનીટરીંગ કામગીરી કરતા નર્મદા LCB PI તથા PSI સી.એમ.ગામીતે પોતાની ટીમ સાથે રાજપીપળા નવાપરા ખાતે જઈને આજરોજ બપોરે ચિરાગ પટેલને ઝડપી પાડયો હતો અને તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી તેની અટકાયત કરવામાં આવી હતી. આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે COVID 19 કોરોના વાયરસ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ તથા ગેરમાર્ગ મેસેજ અથવા કોઈપણ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કોઈએ કરવી નહીં આવી અફવાઓ કે કોમી તંગદિલી ફેલાવનાર ઈસમો સામે સોશ્યિલ મીડિયા મોનીટરીંગ LCB દ્વારા 24 કલાક સતત વોચ રાખવામાં આવી રહી છે.
મોન્ટુ રાજપીપલા