હાલ કોરોનાની મહામારીથી બચવા દેશમાં લોકડાઉન અમલમાં છે.રોજ કમાઈને રોજ ખાતા લોકોને એક એક દિવસ કાઢવો અઘરો થઈ પડ્યો છે.ત્યારે નર્મદા જિલ્લાની આદિવાસી યુવતીએ એક વર્ષની મહેનતના પૈસા અન્ય વ્યક્તિને જમીન છોડાવવા માટે આપી દેતા માનવતાના દર્શન થયા હતા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામે રહેતી 21 વર્ષીય દિકરી હનિતા તડવીનુ લગ્ન 27 મી એપ્રિલ અખા ત્રીજના દિવસે યોજવાનું નિર્ધારિત થયું હતું.પરંતુ લોકડાઉનના પગલે એના લગ્ન બંધ રહ્યા હતા.હવે હનિતાના ઘરની સ્થિતિ પણ નબળી હતી, એટલે એણે 2 વર્ષ અગાઉથી જ ટ્યુશન કલાસ ચલાવી પોતાના લગ્ન માટે પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું હતું, એણે એક વર્ષ દરમિયાન લગભગ 40 હજાર રૂપિયા ભેગા કરી લીધા હતા.લગ્ન બંધ રહેતા આ પૈસાનો સારી બાબતમાં ઉપયોગ થાય એવો એના મનમાં વિચાર આવ્યો. અખા ત્રીજના દિવસ સુધીમાં કોઈએ જમીન ગીરવે મૂકી હોય તે નાણાં આપીને છોડાવાનો છેલ્લો દિવસ હોય છે.નજીકના સમારીયા ગામમાં કેટલાક પરિવાર કોઈને કોઈ પ્રસંગે જમીન ગીરવે મૂકતા હોય છે તેથી તેઓ વધારેને વધારે ગરીબ થતા જાય છે.સમારીયા ગામની જમના મનહર તડવીએ પોતાની જમીન ગીરવે મૂકી હતી, એની પાસે જમીન છોડાવવાના રૂપિયા ન હતા.આ બાબત હનિતાના ધ્યાને આવતા જમના મનહર તડવીની જમીન છોડાવવા માટે હનીતાએ કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના પૈસા આપ્યા.હનિતાના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં જે બંગલાવાળા કે લકઝરીયસ કારવાળા પણ ન કરે એવું કામ કરી હનીતાએ સમાજને આગળ લઈ જવા નાનકડા દીવાની જ્યોત પ્રગટાવી છે.
મોન્ટુ રાજપીપલા
નર્મદાની આદિવાસી યુવતીની માનવતાને સલામ : લગ્ન માટે રાખેલા પૈસા જમીન છોડાવવા આપ્યા.
Advertisement