નાના વેપારીઓને રોજગાર મળે અને દેશના અર્થતંત્રને આંશિક વેગ મળે તે હેતુથી જ્યારે દેશના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડી શરતોને આધીન કેટલાક વ્યવસાયો બંધ રાખવાની સાથે મોટાભાગના નાના વેપારીઓને દુકાનો ખોલવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે સંદર્ભે ગતરોજ ગુજરાત સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં બેઠક કરી નાના વેપારો ખોલવા અંગે જાહેરાત કરી હતી જેમાં બાર્બર શોપ, હોટલ, મોલ, ફરસાણની દુકાનો, ઠંડા પીણાં, આઇસ્ક્રીમ પાર્લર, સહિતની દુકાનોને છુટ આપવામાં આવી ન હતી. ગતરોજ તંત્ર દ્વારા દુકાનો ખોલવા બાબતે સ્પષ્ટતા કરતા આજે બીજા દિવસે સવારે મોટાભાગના વેપારીઓએ પોતાની ધંધા રોજગાર શરૂ કર્યા હતા. જાહેરનામા મુજબ જે દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ છે તેને છોડીને તમામ દુકાનો ખુલી હતી અને વેપારીઓ દ્વારા જાહેરનામાનું પાલન પણ કરાયું હતું તો બીજી તરફ પોલીસ તંત્ર પણ લોકડાઉનના અમલ કરાવવા સતર્ક જોવા મળ્યું હતું અને બિનજરૂરી બાઇક ઉપર બે સવારી ફરતા તત્વો સામે કાર્યવાહી કરાઈ હતી. કાપડ એસોસિયેશનના પ્રમુખ સલિમભાઈ મેમણ મંત્રી તુલસી ભાઈ કૌશલ કાપડીયાએ જણાવ્યું હતું કે જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યું છે ત્યારથી જ રાજપીપળાનાં વેપારીઓએ લોકડાઉનનો અમલ કર્યો છે ત્યારે આજે જ્યારે દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે કાપડ એસોસિએશન દ્વારા કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી અને તંત્રને સહયોગ આપી સ્વયં બપોરે 12 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નક્કી કર્યું છે અને વેપારીઓને સાવચેતી રાખવા પણ જણાવ્યું છે.
આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નર્મદા રાજેશ પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર શ્રીના આદેશ મુજબ રાજપીપળામાં દુકાનો ખુલી છે તમામ દુકાનદારોને સોસીયલ ડિસ્ટનસિંગ, સેનેટાઇઝર, માસ્ક, હેન્ડ ગ્લોઝ વગેરે બાબતે જણાવાયું છે તેમજ રાજપીપળાનાં વેપારીઓનો પ્રતિસાદ ખૂબ સારો છે અત્યાર સુધી કોઈ જાહેરનામાનો ભંગ કરતા માલુમ પડ્યું નથી અને જો કોઈ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.