રાજપીપળા, નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ સામે જિલ્લા પ્રશાસન અને આરોગ્યતંત્ર પૂરતી સાવચેતી અને તકેદારી રાખવાની સાથોસાથ અટકાયતી પગલાં સ્વરૂપે રક્ષણાત્મક ઉપાયો અંગે લોકોમાં વિશેષ જાગૃત્તિ કેળવવામાં આવી રહી છે. રાજપીપળાની સરકારી કચેરીઓમાં સેનિટાઇઝેશનની કામગીરી સતત થઇ રહી છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાજપીપળાની આયુર્વેદિક કોલેજનાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૧૫૦ જેટલી વ્યક્તિઓ માટે ફેસીલીટીબેઝ ક્વોરોન્ટાઇનની સુવિધા ઉભી કરાઇ છે. જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ આજે આયુર્વેદિક કોલેજની મુલાકાત લઇ ત્યાં ઉભી કરાયેલી ઉક્ત સુવિધાનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે પી. પટેલ અને ડૉ.દિનેશ બારોટ પણ કોઠારી સાથે આ મુલાકાતમાં જોડાયા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ વિદેશ દુબઇ અને જર્મનીથી આવેલ બે પ્રવાસીઓને આજે આયુર્વેદિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ છે,
જ્યારે જિલ્લાના અન્ય ૫ વ્યક્તિઓને પણ હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ -૨૦૧૯ (COVID-19) રોગના લક્ષણોમાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળે છે. આ લક્ષણો રેસ્પીરેટરી ઇન્ફેકશનને મળતાં હોય આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે. આ રોગનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. આ રોગના દરદીના સંપર્કમાં આવનાર અન્ય વ્યક્તિ પણ સહેલાઇથી ચેપગ્રસ્ત બને છે. આથી જ આ રોગનો ફેલાવો સમગ્ર વિશ્વમાં ઝડપથી થયેલ છે. કોરાના વાયરસ સામે રક્ષણાત્મક ઉપાયો તેમજ સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબનું પાલન કરવા પ્રજાજનોને જિલ્લા પ્રશાસન તરફથી જાહેર અપીલ કરાઇ છે. આ રોગના અટકાયતી પગલા સ્વરૂપે વ્યાપક પ્રચાર-પ્રસાર, જરૂરી સાફ સફાઇ સાથે સ્વચ્છતા જાળવણી વગેરે માટે ધાર્મિક સંસ્થાઓ સાથેની મુલાકાત તેમજ સરપંચ પરિષદ સાથેની બેઠકમાં ગામેગામ આ રોગની અટકાયતી કામગીરી સમયસર થાય તે જોવા અને જિલ્લા પ્રશાસન-આરોગ્યતંત્રની આ દિશાની કામગીરીમાં જરૂરી સહયોગ આપવા પણ જાહેર અપીલ કરવામાં આવી છે.જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બેન્કોમાં આવતા વ્યક્તિઓ દ્વારા ચેપ ના ફેલાય તે માટે જિલ્લાની તમામ બેન્ક મેનેજરો સાથે બેઠક યોજીને બેન્કમાં આવેલ તમામ રેલીંગ, દાદર, પ્લેટ ફોર્મ, ફલોર, બાયોમેટ્રીક મશીન, બારી, દરવાજા, લીફ્ટ, સંડાશ, બાથરૂમ, પીવાના પાણીના સાધનો વગેરે જાહેર સંપર્કમાં આવતા તમામ સંશાધનોને જંતુનાશક એન્ટીસેપ્ટીકથી દરરોજ બે થી ત્રણ વખત સાફ સફાઇ સાથે પુરતી સ્વચ્છતા રાખવાની સુચના અપાઇ છે. જિલ્લાના તમામ ટુરીસ્ટ પોઇન્ટની આરોગ્ય વર્કર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે,જેમાં બહારથી આવેલ કોઇપણ પેસેન્જર કે પ્રવાસીની જાણકારી મળ્યેથી તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવાની પણ સુચના અપાઇ છે. તેવી જ રીતે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ પર સવાર ૬:00 થી રાત્રે ૧૦:00 સુધી મેડીકલ ટીમની ગોઠવણી કરવામાં આવેલ છે જેમાં કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક આરોગ્યતંત્રને જાણ કરવા જણાવવામાં આવેલ છે.જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ.નેહા પરમારની રાહબરી હેઠળ આયુર્વેદ તબીબોની ટૂકડીઓએ તા. ૧૯ થી તા. ૨૧ માર્ચ સુધી પ્રારંભાયેલા આયુર્વેદિક ઉકાળાના નિ:શુલ્ક વિતરણનો આજે બીજા દિવસે જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત, દરબાર રોડ પર આવેલી નગર પાલિકા સંચાલિત લાયબ્રેરી, સફેર ટાવર અને હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે આયુર્વેદિક ઉકાળાના નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે, રાજપીપળાની જીતનગર સબજેલ ખાતે જેલના કેદીઓ, જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો હોમીયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળીઓનું પણ વિતરણ કરાયું છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના વાયરસથી બચી શકાય છે. રાજપીપલા સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકશ્રી એલ.એમ.ગમારાએ કહ્યું હતું કે, સબજેલના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં તમામ જગ્યાઓએ સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે તેમજ જેલના કેદીઓના સામાનને પણ ધૂપમાં રાખવમાં આવે છે, જેનાથી ચોખ્ખાઇ પણ જળવાઇ રહે. અનિવાર્ય સંજોગો સિવાય કોઇપણ મુલાકાતીઓને મળવા દેવાશે નહીં. તેમજ નવા આવનાર કેદીઓ માટે અલગ ક્વોરન્ટાઇનલ રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં ૧૦ દિવસની ડૉ.તબીબોની તપાસ બાદ જ બીજા કેદીઓની સાથે મુકવામાં આવશે, તેવી જાણકારી શ્રી ગમારાએ આપી હતી. એસ.ટી. ડેપોની તમામ બસો નિયમિત રૂટ પર જતા પહેલા અંદરના ભાગે અને બહારના ભાગે સફાઇ કર્યા બાદ સેનિટાઇઝેશન કરીને જ ૫૮ જેટલી બસોને તેના રૂટ ઉપર છેલ્લા પાંચ દિવસથી મોકલવામાં આવે છે તેમજ ડેપો ખાતે ઉભી કરાયેલી હેન્ડવોશની સુવિધા અને શૈાચાલયની સતત સાફ સફાઇ સાથે થઇ રહેલી સ્વચ્છતા જાળવણીની કામગીરીનું પણ નાયબ કલેક્ટર એ.આઇ.હળપતિએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ પ્રજાજનો-મુસાફરો માટે સેનિટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી છે તેની સાથોસાથ કોરોના સામે કેવી રીતે બચવું, શું તકેદારી રાખવી તેની જનજાગૃતિ અંગે કંન્ટ્રોલ રૂમ મારફત જાહેર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ભરૂચના ડિવિઝનલ કંન્ટ્રોલર માત્રોજાએ પણ આજે રાજપીપલા એસ.ટી ડેપોની મુલાકાત લઇને ડેપોની સ્વચ્છતા જાળવણી, બસોની સાફ સફાઇ અને સેનિટાઇઝેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.
રાજપીપળા. આરીફ જી કુરેશી
રાજપીપળામાં કોરોના વાઇરસને પગલે વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યા.
Advertisement