રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજના સમયે યોજાતો લેસર શો (પ્રોજેકશન મેપિંગ શો) પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ પૈકીનો એક છે. સામાન્ય રીતે સાંજના ૭:૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવા માટેનો સમય રાખવામાં આવેલ છે.હાલમાં ઉનાળાની ઋતુની પ્રારંભ થયો છે,દિન-પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે.જેના કારણે તાત્કાલિક અસરથી મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી ૮ માર્ચથી સાંજના ૭:૦૦ વાગ્યાના બદલે ૦૭:૧૫ કલાકે લેસર શો(પ્રોજેકશન મેપિંગ શો) શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસરગન શક્તિશાળી છે, લેસર શો જ્યારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અહીં આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો હોવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેએ જણાવ્યું છે. વધુમાં એમ પણ જાણવા મળ્યું કે તા.૯ માર્ચ સોમવારના રોજ પણ સ્ટેટ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે,જેથી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ સોમવારે હોળી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલું રાખવામાં આવશે.તેના બદલે તા.૧૧ માર્ચ બુધવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય પ્રૉજેકટમાં જાહેર રજા રહેશે. પ્રવાસીઓ soutickets.in અને એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેંશન statue of unity tickets (official)પરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે તેમ જાણવા મળ્યું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી