(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)નર્મદા જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે ગુરુવારે કિસાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮ ના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમો અંતર્ગત ડેડીયાપાડા કૃષિ ઇજનેરી કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો કિસાન કલ્યાણ મહોત્સવ યોજાયો હતો.ડેડીયાપાડા ખાતેના જિલ્લાકક્ષાના કૃષિ ઇજનેરી કોલેજ ખાતે ભરૂચ વિસ્તારના સંસદસભ્ય મનસુખ વસાવાએ દિપ પ્રાગટ્ય દ્વારા સમારંભને ખુલ્લો મુક્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂર્ણેશ મોદી,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ,તાલુકા પંચાયતના પ્રમુખ જનતા વસાવા,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.સમારોહનાં અધ્યક્ષપદેથી સંબોધન કરતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના ૨૦૨૨ માં ખેત ઉત્પાદન બમણું કરવાના સંકલ્પના ભાગરૂપે દેશભરમાં કિસાન કલ્યાણ મહોત્સવ ઉજવાઇ રહ્યોં છે.ત્યારે આત્મા પ્રોજેક્ટ દ્વારા મળતા માર્ગદર્શનના અમલથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતોએ વ્યસનથી દૂર રહી આધુનિક પધ્ધતિથી ખેતીકામમાં લાગી જવું જોઈએ.આજના ભણેલા યુવાનોએ ખેતીમાં રૂચી કેળવીને ખેતી કામમાં આધુનિકતા લાવવી પડશે.ખેતીની સાથોસાથ પશુપાલનમાં પણ જોડાઇને પુરક આવક મેળવવા પણ હિમાયત કરી હતી.જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે, નદીના પટ્ટની જમીનના ૭/૧૨ માટે માંગણીના દિવસથી ૧૫ દિવસમાં વહિવટી મંજૂરી અપાશે.વિજ કનેક્શન માટે પણ જરૂરી કાર્યવાહી સાથોસાથ હાથ ધરવા, ખેતી કરવા માટે સમતલ જમીન ન હોય ત્યાં કયારી કરી ચણા-બાજરીનું વાવેતર કરી શકાય છે.જે જગ્યાએ તળાવો બનવાની શક્યતાઓ હોય તેવી બાબત વહિવટીતંત્રનું ધ્યાન દોર્યેથી એક માસમાં જે તે જગ્યાએ તળાવ બનાવવા માટે વહિવટીતંત્ર સજ્જ છે.સંસદસભ્ય મનસુખ વસાવા અને ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂર્ણેશ મોદી,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા સહિત મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા એવોર્ડ વિતરણ ઉપરાંત યોજનાકીય લાભોના ચેકો એનાયત કરાયાં હતાં.
આદિવાસી યુવાનોએ વ્યસન છોડી આધુનિક ખેતપધ્ધતિ અપનાવી ખેતીકામમાં રૂચી લેવી જોઈએ: મનસુખ વસાવા
Advertisement