કેવડીયા કોલોની ખાતે India Ideas Conclave માં હાજરી આપવા પધારેલા આસામનાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની દુનિયાની સૌથી વિરાટ પ્રતિમાનાં ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.
ત્યારબાદ ૧૩૫ મીટરની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પ્રતિમાનાં હદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો.
તદ્દઉપરાંત પ્રતિમાની આજુબાજુનાં પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “માં નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાઇબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબે, નાયબ કલેકટર બી.એ.અંસારી, મામલતદાર, એ.કે.ભાટીયા તેઓની સાથે રહ્યા હતા.
સોનોવાલને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી દ્વારા પ્રતિમાની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અભિભુત થયેલા શ્રી સોનોવાલે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ કે, એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સૂત્રને સરદાર સાહેબે સાર્થક કર્યુ છે, ભારતે સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કરીને સાચી શ્રધ્ધાંજલી અર્પી છે.મારું સદભાગ્ય છે કે આ સ્થળની હું મુલાકાત લઇ રહ્યો છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી તરફથી મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયો હતો.
રાજપીપળા. આરીફ જી કુરેશી