રાજપીપળા અને ગરુડેશ્વરમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા વેપારીની ગરુડેશ્વર ખાતેની દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી ૧૭ મોબાઈલ અને ૨ એલઈડી ટીવીની ચોરી કરી અજાણ્યા ચોરો ફરાર. ચોરો એક જીપમાં આવ્યા હોય દુકાન બહારનો સીસીટીવી કેમેરો ઊંચો કરી ચોરીને અંજામ આપ્યો, પાડોશી જાગી જતા બાકીનો સામાન બચી ગયો.
નર્મદા જિલ્લામાં હાલ એક બાદ એક ચોરીના ગુના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે છતાં ચોરો હજુ પોલીસ પકડમાં આવતા નથી ત્યાં ગતરાત્રે ગરુડેશ્વર ખાતે વધુ એક ચોરી થતા પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.રાજપીપળામાં રહેતા સજીદભાઈ મેમણ નામના વેપારીએ ચાર મહિના પહેલાજ ગરુડેશ્વર ખાતે સેલ્સ પ્લાઝા નામની ઇલેકટ્રોનિકની દુકાન શરૂ કરી હતી આ દુકાનમાં ગતરાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓ જીપ લઈ આવી દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી અંદર મુકેલા મોબાઈલ, ટીવી સહિતના સામાનમાંથી ૧૭ નંગ મોબાઈલ જેની કિંમત રૂ.૨,૧૮,૦૦૦/-તેમજ એલસીડી ટીવી-૨ નંગ કિંમત રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂપિયા ૨,૪૮, ૦૦૦/-ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરોએ દુકાની બહાર લાગેલો સીસીટીવી કેમેરો ઊંચો કરી ચોરીને અંજામ આપ્યો હતો.જીપ લઈ આવેલા ચોરો વધુ સામાનની ચોરી કરે તે પહેલા જ પાડોશી જાગી જતા ૧૭ મોબાઈલ અને ૨ ટીવીની ચોરી કરી ચોરો ભાગી છૂટયા હતા. આ બાબતે દુકાન માલીક સજીદભાઈ મેમણની ફરિયાદના આધારે પોલીસે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી