કેવડીયા કોલોની ખાતે કેન્દ્રીય કોલસા વિભાગની ચિંતન શિબિરમાં હાજરી આપવા આવેલા ભારત સરકારનાં કોલસા અને ખાણ તેમજ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ આજે વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાનાં હદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદઉપરાંત પ્રતિમાની આજુબાજુનાં પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “માં નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.તેઓની સાથે કેન્દ્રીય કોલસા વિભાગનાં સચિવ અનિલકુમાર જૈન અને સમગ્ર ભારતભરમાંથી પધારેલ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબે, નાયબ કલેકટર બી.એ.અસારી, મામલતદાર, એ.કે.ભાટીયા તેઓની સાથે રહ્યા હતા.
માનનીય મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી દ્વારા પ્રતિમાની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રહલાદ જોશીએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ કે,અખંડ ભારતનાં પ્રણેતા સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરીને મહાન પ્રતિભાને ભારતે સાચી શ્રદ્ધાંજલી આપી છે.વહીવટદાર કચેરી દ્વારા માનનીય મંત્રી પ્રહલાદ જોશીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયો હતો.
રાજપીપળા, આરીફ જી કુરેશી