નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી મામલે હાલ કાર્યકરો બે અલગ અલગ જૂથમાં વહેંચાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.એક જૂથ નવા ચેહરાને તક આપવાની માંગ કરી રહ્યું છે તો બીજું એક જૂથ સમય આવ્યે પોતાના પત્તા ખોલવાના મૂળમાં છે. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલનો એક ઓડિયો કલીપ સોશીયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. જેમાં એમણે ભાજપના કોઈ પણ હોદ્દેદારનું નામ લીધા વિના એમની પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ ઓડિયો કલીપ વાઈરલ થયા બાદ નર્મદા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે એમ જણાવ્યું હતું કે, જે લોકો નેગેટિવ વિચારધારા ધરાવે છે, જે લોકોએ સંગઠનમાં કામ નથી કર્યું, અત્યાર સુધી જેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, પાર્ટીને નુકશાન પહોચાડ્યું છે એવા લોકો આવુ નિવેદન આપે છે.જે લોકોએ અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાકટના મોટા મોટા કામો કર્યા છે એવા લોકો અશોક પટેલ સાથે છે અને પડદા પાછળ રહી ભૂમિકા ભજવે છે.જો ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની ઓડિયો કલીપ વાઈરલ થયાની ઘટના જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની સાબિતી આપે છે.આ અંગે ભાજપના નાંદોદ તાલુકા પ્રમુખે પણ સ્વીકાર્યું છે કે નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી