(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):કેવડિયા કોલોનીના ભૂતયાદરા ગામ પાસે ફોર લેન રોડ બનાવતી કંપનીના ડામર પ્લાન્ટમાં સૉર્ટ-સર્કીટથી અચાનક લાગતા દોડધામ મચી હતી.જોકે કેવડીયા નર્મદા નિગમ તેમજ રાજપીપળા નગર પાલિકાની ફાયરફાઈટરની ટીમોએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ચાલી રહ્યું છે.તેને લઈને આ વિસ્તારને જોડતા તમામ રસ્તાઓને ફોર લેન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.તેના ભાગરૂપે હાલ ત્યાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એની માટે નજીકના ભૂતિયાદરા ગામ નજીક એક ડામર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.આ ડામર પ્લાન્ટમાં શનિવારે બપોરે અચાનક સૉર્ટ-સર્કિટને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં સામાન્ય લાગેલી આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડામરનાં કારણે ખૂબ ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા વળી જતા વાતાવરણ પણ પ્રદૂષિત થવા માંડ્યું હતું.
જો કે આ ઘટનાની જાણ થતાં થોડી જ વારમાં કેવડિયા નર્મદા નિગમ અને રાજપીપળા નગર પાલિકા ફાયર ફાયટરની ટીમો ત્યાં ઉતરી પડી હતી.અને એક કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ પર કાબુ મેળવ્યો હતો.આ અચાનક લાગેલી આગમાં એક ટ્રક,સ્લીપર કોચ અને ટાયરોનો કેટલોક જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો પણ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.