નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ.ના સંયુકત ઉપક્રમે આજે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલના પટાંગણમાં નર્મદા જિલ્લાના યોજાયેલા ત્રિમાસિક મેગા જોબ-ફેરને જિલ્લા રોજગાર અધિકારી જી.આર.બારીયા, આઇ.ટી.આઇ.ના ઇન્ચાર્જ આચાર્ય અતુલભાઇ ચૌધરી, નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી બી.આર.રાઠવા, આઇ.ટી.આઇ.ના પ્લેસમેન્ટ ઓફિસર કાર્તિકભાઇ વસાવા સહિત વિવિધ ઔદ્યોગિક એકમના નોકરીદાતાઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોની હાજરીમાં દિપ પ્રાગટય દ્વારા મેગા જોબ-ફેરને ખુલ્લો મૂકાયો હતો. આ જોબ-ફેરમાં વિવિધ ૫૭૪ જેટલી જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ૪૬૭ ઉમેદવારો પૈકી ૩૮૭ જેટલાં ઉમેદવારોની જે તે નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરાઇ હતી. નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી જી.આર.બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જિલ્લા કક્ષાના આ જોબ-ફેરની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમના મનપસંદની રોજગારીની તક મળી રહે તે માટે અને નોકરીદાતાઓને પણ તેમની જરૂરીયાત મુજબ કુશળ માનવબળ મળી રહે તેવા હેતુસર આજનો આ ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો છે, ત્યારે આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમનામાં રહેલાં કૌશલ્ય મુજબ જે તે રોજગારીમાં પસંદગી પામીને તેમની કારકિર્દીનું ઘડતર કરવાની તેમણે હિમાયત કરી હતી. જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી યાકુબભાઇ ગાદીવાલાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રસિદ્ધ થતાં “ગુજરાત રોજગાર સમાચાર” સાપ્તાહિક, ગુજરાત રોજગાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, ગુજરાત પાક્ષિક, ગુજરાત દિપોત્સવી અંક સહિત અન્ય પ્રક્રિર્ણ પ્રકાશનોની જાણકારી આપી યુવાનોને તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરતાં આ પ્રકાશનો અને રોજગારલક્ષી ભરતીની માહિતીસભર બાબતોથી સતત અવગત રહીને તેનો મહત્તમ લાભ લેવાની સાથોસાથ માહિતી વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સના ઉપયોગ થકી તેમાંથી પ્રાપ્ત થતાં માહિતીસભર ખજાનાને કારકિર્દી ઘડતરના ઉપયોગમાં લેવાની ગાદીવાલાએ ખાસ હિમાયત કરી હતી. નાયબ માહિતી નિયામક ગાદીવાલાએ વધુમાં ઉમેર્યુ હતું કે, ડીઝીટલ યુગમાં યંગ ઇન્ડીયાની નવી જનરેશન જયારે સ્માર્ટ ફોન થકી સમગ્ર વિશ્વ સાથે સંપર્ક સેતુ સ્થાપી રહી છે. ત્યારે જ્ઞાનના આદાન-પ્રદાનની તેમની જિજ્ઞાસા સંતોષી શકાય અને તેમને ફકત એક કલીકથી જ ઉપલબ્ધ કરાવી શકાય તેવા પ્રયાસના ભાગરૂપે રાજય સરકારના માહિતી અને પ્રાસરણ વિભાગે વિશેષ કરીને માહિતી વિભાગના સોશિયલ મિડીયાના વિવિધ ટુલ્સનો યુવાનોને બખુબી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી સાથે સરકારની કામગીરી, પ્રજાલક્ષી નિર્ણયો, ફલેગશીપ કાર્યક્રમ, રાજયની ભાતીગળ સંસ્કૃતિ સાથે જિલ્લાઓની ઔતિહાસિક જાણકારી, પ્રેરણાદાયી સ્ટોરી જેવી અલભ્ય માહિતી જિજ્ઞાસુઓને એક જ કલીકના માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે માહિતી વિભાગે તેની વેબ સાઇટસ સહિત ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, ટવીટર અને યુ ટયુબ ચેનલો પણ કાર્યાવિત કરીને છેવાડાના વ્યકિતઓ સુધી જાણકારી પહોંચાડવાનો રાજયના માહિતી વિભાગે યજ્ઞ આદર્યો છે તેમ પણ ગાદીવાલાએ જણાવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી બી.આર.રાઠવાએ પણ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગારલક્ષી વિવિધ યોજનાઓ ઉપરાંત સ્વરોજગારલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડી સેવા, ઉદ્યોગ-વેપાર જેવી પ્રવૃત્તિઓ માટેની ધિરાણ સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બ્રેક ઇન્ડીયા પ્રા.લી.-ઝઘડીયાના હિરેનભાઇ, અતુલ ઇન્સ્ટ્રીટયુટ ઓફ વોકેશનલ એક્ષેલન્સ-ધરમપુરના ગોવિંદભાઇ, રીલાયન્સ નીપોન લાઇફ ઇન્સ્યોરન્સ-રાજપીપલાના હરવિન્દસિંહ, નિરવ હેલ્થ કેર-રાજપીપલાના નિરવભાઇ, કોઝન્ટ ઇ સર્વિસ-વડોદરાના ફતેસિંગભાઇ, નિવિક ઇન્ડસ્ટ્રીઝ-આમલેથાના ભાવેશભાઇ, સાંઇ સિધ્ધિ ફાર્મા કેમ-રાજપીપલાના મનીષભાઇ, ટ્રેન્ડ ફાર્મા-રાજપીપલાના જયંતીભાઇ ભટૃ, સી.પેટ સ્કીલ ડેવલપમેન્ટ-વલસાડના પંકજભાઇ પગી વગેરે જેવા નોકરીદાતા-સંસ્થાઓએ આ મેગા જોબ-ફેરમાં ભાગ લીધો હતો અને તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં તેમની સંસ્થા તરફથી ઉપલબ્ધ રોજગારની સાથે પૂરી પડાતી અન્ય કલ્યાણલક્ષી સવલતોની પણ સવિશેષ જાણકારી સાથે ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેનાથી માહિતગાર કર્યા હતા. પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારી જી.આર. બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનુ સંચાલન રોજગાર કચેરીના ગુંજનકુમાર સોનીએ કર્યુ હતું અને અંતમાં આઇ.ટી.આઇ.ના ઇન્ચાર્જ આચાર્ય અતુલભાઇ ચૌધરીએ આભારદર્શન કર્યુ હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી