ગુજરાતના ગાંધીનગર ખાતે હાલ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા “સાચા આદિવાસી બચાવો સમિતિ” દ્વારા ધરણા પ્રદર્શન કરી આંદોલન ચલાવાઈ રહ્યું છે. દિવસે અને દિવસે આ આંદોલનને રાજ્યના આદિવાસીઓનું સમર્થન પણ મળી રહ્યું છે.કેન્દ્ર સરકારના પૂર્વ આદિજાતિ મંત્રી અને ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તો આ આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન પણ જાહેર કર્યું છે, અધિકારીઓના નામે એમણે રૂપાણી સરકાર સામે બાથ ભીડી છે. આમ છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. આ આંદોલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારા, દાંતાના ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસી નેતાઓએ સત્યાગ્રહી છાવણીએ ધરણા આંદોલનને સમર્થન આપ્યું હતું.ત્યારે નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ ત્યાં પહોંચી આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. પી.ડી.વસાવાએ આંદોલનકારીઓને જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં અમે પણ ઘણી મહેનત કરી નવનિર્માણના આંદોલને વેગવંતુ બનાવ્યું હતું, મેં પણ નવનિર્માણના આંદોલનમાં ઘણી લાકડીઓ ખાધી છે.હાલની અને એ સમયની પરિસ્થિતિમાં ઘણો ફેર છે, એ સમયે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અત્યારે વધુ છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે અમે પણ વિધાનસભામાં રજૂઆતો કરી છે પત્રો લખ્યા છે, પણ એક વાત નક્કી છે કે જ્યાં સુધી સરકાર પર દબાણ નહી લાવો ત્યાં સુધી સરકાર આપણું સાંભળવાની નથી.આદિવાસી યુવાનો ગામડે ગામડે જાય અને જાગૃત કરી મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાશે તો એનો પડઘો વધારે પડશે.જેલમાં જવુ પડશે તો જઈશું, લાકડીઓ પણ ખાઇશું પણ આદિવાસીઓના હક બાબતે સરકાર સામે ઝૂકીશુ તો નહીં જ.” તેમણે વધુમાં જણાવ્યું કે, “હાલ આદિવાસીઓમાં ભાગલા પાડવાવાળા ઘણા લોકો છે આપણે એનાથી સજાગ રહેવાનું છે.આ આંદોલનમાં ભાજપના લોકોનું સમર્થન છે તો એનું પરિણામ જલ્દી મળશે. હક્ક માટેની લડાઈમાં સરકારને પણ અમે વિધાનસભામાં સવાલ પૂછીએ છે પણ ખરા.હાલની સ્થિતિ એવી છે કે, આદિવાસીઓ માટે ફાળવતી ગ્રાન્ટનો પૂરે પૂરો ઉપયોગ થતો જ નથી. મારા વિસ્તારમાં નર્મદા ડેમ અસરગ્રસ્તોને નોકરી અને બીજી અન્ય સગવડો સરકારે હજુ પણ પુરી નથી પાડી.”
રાજપીપળા, આરીફ જી કુરેશી