સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના જુલાઈ 2019 પછીના દબાણો તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.એ આદેશ મુજબ અધિકારીઓ 1 લી જાન્યુઆરીએ સવારથી જ દબાણ તોડવાની કામગીરી કરી રહ્યા હતા.દરમિયાન ગરુડેશ્વર તાલુકાના વાગડીયા વિસ્તારમાં દબાણ તોડવાની કામગીરી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદાર નિલેશ દુબે અને ત્યાં પોતાની ફરજ પર હાજર નાયબ મામલતદાર મેહુલ વસાવા વચ્ચે કોઈક બાબતે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.દરમિયાન મામલો વધુ ગરમાતો જોઈ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો અને નાયબ મામલતદાર મેહુલ વસાવાએ આ ઘટના મામલે કેવડિયા પોલીસ મથકમાં કાયદેસર પગલાં લેવા લેખિત રજુઆત કરી હતી. બાદ આજે નર્મદા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કરણસિંહ રાજપૂતની આગેવાનીમાં સમગ્ર મામલે નર્મદા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબે વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા સરકાર માં રિપોર્ટ કરવા રજુઆત કરાઈ હતી. આવેદનમાં મુખ્ય પાંચ માંગણીઓ કરાઈ હતી જેમાં એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કામગીરીમાં રૂકાવટ કરવા બદલ નાયબ કલેકટર નિલેશ દુબે તેમજ તેમના ખાનગી બોડીગાર્ડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી તેમજ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કામગીરી દરમિયાન પૂરતી સલામતી તેમજ વાહન વ્યવસ્થા કરવી – સરકારની જોગવાઈ વિરુદ્ધ બોડીગાર્ડ રાખવામાં આવ્યા છે તેમજ ગાડી ઉપર લાઈટ લગાવાઈ છે જે અંગે તપાસ કરવી – દબાણ હટાવતી વેળાએ નાયબ કલેકટર દુબે તેમજ બોડીગાર્ડ કયા હોદ્દાની રૂએ હાજર રહ્યા – કલેકટર કચેરીની પ્રોટોકોલ સ્થળ બદલી નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ રાખવું – ઉપરાંત હાલ સરદાર સરોવર નિગમની સંપાદિત જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની જવાબદારી નિગમની છે જેમાં મહેસુલી સ્ટાફને પડાતી ફરજને બંધ કરાય જેવી માંગણીઓ કરી હતી. જો આગામી 5 ફેબ્રુઆરી 2020 સુધી જરૂરી પગલાં ન લેવાય તો નર્મદા જિલ્લાના મહેસુલી કર્મચારીઓ દ્વારા સ્ટેચ્યુ, નર્મદા નિગમ તેમજ SSPA ને લાગતી કામગીરીના બહિષ્કારની ચીમકી તેમજ મહેસુલી કામગીરી બાબતે વર્ક ટુ રૂલ કરવા ચીમકી પણ ઉચ્ચારાઇ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી