રાજપીપળા પાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમત હાંસિલ થયો છે. રાજપીપળાના શહેરીજનોએ વિકાસ થશે એ આશાએ ભાજપને સત્તા આપી પણ છેલ્લા ઘણા સમયથી અનેક તકલીફો વેઠી રહેલા શહેરીજનો ભાજપના વહીવટથી કંટાળ્યા હોવાની બુમો ઉઠી છે.ત્યારે હવે તો ખુદ ભાજપના ચૂંટાયેલા સભ્ય અને રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપભાઈ દશાંદીએ પાલિકા વહીવટથી કંટાળી સભ્યપદેથી રાજીનામાની ચીમકી આપી છે.આ જોતા રાજપીપળા પાલિકામાં વિકાસના કામો નહિ થતા હોવાની પોલ ખુદ ભાજપના જ સભ્યએ ખુલ્લી પાડી છે તેમ લાગી રહ્યું છે. આ બાબતે રાજપીપળા પાલિકા વોર્ડ-4 ના સભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદીએ જણાવ્યું હતું કે મારા વોર્ડમાં વિકાસના કામો થતા નથી લોકોની નાની મોટી ફરિયાદોનો નિકાલ પણ થતો નથી.મે ઘણી રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન નથી આપતું. મારા વોર્ડના લોકો મને ફરિયાદ કરવા આવે છે. જો વોર્ડમાં વિકાસના કામો જ ન થતા હોય તો મારે સભ્યપદે રહીને શુ કામ છે, જો વિકાસના કામો બાબતે યોગ્ય નિર્ણય લેવાય તો હું રાજીનામું આપી દઈશ. મે મારી લેખિત ફરિયાદ રાજપીપળા પાલિકા પ્રમુખ, નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ભાજપ પ્રમુખને કરી છે.આ બાબતે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પાલિકા વોર્ડ-4 ના ભાજપ સભ્ય સંદીપ દશાંદીએ મને પોતાની રજુઆત લેખિતમાં કરી છે અને જો વિકાસના કામો નહિ થાય તો રાજીનામાનો પણ એમાં ઉલ્લેખ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તો ભાજપના એક જ સભ્યએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે, હજુ તો ઘણા સભ્યો વહીવટીથી નારાજ ચાલી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ભાજપના અન્ય સભ્યો પણ પોતાના રાજીનામાં આપશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી બાજુ તાજેતરમાં જ રાજપીપળા પાલિકામાં કરોડો રૂપિયાની બીજી ગ્રાન્ટ આવી છે તો એ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે પછી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરી ગુણવત્તા વગરના કામો થાય છે એ જોવું રહ્યું.
રાજપીપળા, આરીફ જી કુરેશી