કેવડીયા,ભારતીય ગણરાજયનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદારશ્રીની કચેરીએ યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી.ત્યારબાદ નવોદય જવાહર વિદ્યાલયનાં ભુલકાઓ દ્વારા બેન્ડની મધુર શૂરાવલીઓનાં સથવારે ઝંડા ગીત રજુ થતા ઉપસ્થિત સૌ કોઇ દેશભક્તિનાં રંગે રંગાયા હતા.
નિલેશ દુબેએ પ્રજાસતાક પર્વનાં વધામણા સાથે અધિકારીઓ,કર્મચારીઓ અને પ્રવાસીઓને આજના દીવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી ખાતે યોજાયેલ સમારોહમાં ઉપસ્થિત તમામને સંબોધતા નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેએ જણાવ્યુ હતુ કે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે,અને SCO સંગઠન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની આઠમી અજાયબી જાહેર કરાઇ છે.જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે,અને આપ સૌ અભિનંદનને પાત્ર છો. આપણુ અહોભાગ્ય છે કે, કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત છે અને આપણે સાચા અર્થમાં સૌભાગ્યશાળી છીએ કે તે પવિત્ર સ્થળનાં ભાગ છીએ. તેઓએ આજનાં પર્વે દેશને આઝાદી અપાવવામાં નામી-અનામી રાષ્ટ્રપુરુષોએ તેમનાં જીવનની આપેલ આહુતીનું યોગદાન ભારતનાં ઇતિહાસમાં અમર રહેશે તેમ જણાવ્યુ હતુ. સરદાર સાહેબનાં અથાગ પ્રયત્નોથી અખંડ ભારતનું નિર્માણ થયુ છે,જેથી આપણે સૌએ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશો સમાજમાં ફેલાવો કરવા ઉપસ્થિત તમામને અપીલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ કેવડીયા સહિત સમગ્ર જીલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે,અને વિશ્વભરનાં પ્રવાસીઓથી આ વિસ્તાર ધમધમી ઉઠયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ છે પરંતુ રોજગારી આપવામાં પણ એક ઉમદા ઉદાહરણ સાબિત થયુ છે.કેવડીયામાં આવનાર પ્રવાસીઓ માટે એક શ્રેષ્ઠતમ સુવિધાઓ સરકારએ ઉભી કરી છે અને આવનાર સમયમાં કેવડીયામાં એશિયાનું સર્વપ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન તેમજ જીલ્લામાં એરપોર્ટની સુવિધા પણ ઉભી થનાર છે. આ પ્રસંગે નાયબ કલેકટર(પ્રોટોકોલ) બી.એ.અસારી,મામલતદાર (પ્રોટોકોલ) એ.કે.ભાટીયા,સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડનાં પ્રવાસન વિભાગનાં એકઝીકયુટીવ એન્જીનિયર એમ.બી.શર્મા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળા, આરીફ જી કુરેશી