નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નિર્માણ બાદ વડાપ્રધાન મોદી દ્વારા તેનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ ગત 31 મી ઓક્ટોબરે ફરી વડાપ્રધાન મોદીએ કેવડિયા આવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ બનેલા વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મુકયા હતા ત્યારે તે સમયે ભારત વિકાસ ગૃપ કંપની દ્વારા કામ માટે રાખેલા સફાઈ કર્મીઓનો હજુ સુધી પગાર ન થતા રોષે ભરાયા છે. ઉપરાંત કેટલાક અધિકારીઓએ પૈસા લઈ નોકરી આપી હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ કિસ્સા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોને નોકરી આપી પગાર ન ચૂકવતા તેમનું શોષણ થઈ રહ્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે. તો આ બાબતે BVG કંપનીના મેનેજર અભિજીત પાટીલ પણ ખુદ કબૂલે છે કે પગાર થયા નથી. આ કર્મચારીઓને સરકારી કાર્યક્રમો વખતના રાખવામાં આવ્યા હતા અને ઉપરથી કર્મચારીઓ વધારવાનું દબાણ હતું. ગયા વર્ષે જે ઇવેન્ટ થઈ હતી તેમ 150 જેટલા કર્મચારીઓ અમે વધારાના રાખ્યા હતા ત્યારે પણ ગવર્મેન્ટ દ્વારા અડધો જ પગાર ચૂકવાયો હતો જેમાં 50 % કંપની નુકશાનમાં ગઈ હતી. આ વખતે જે ઇવેન્ટ થઈ તેમાં અધિકારીઓ દ્વારા તબક્કાવાર 100 થી લઈ 350 સુધી મેનપવાર વધારવા જણાવાયું હતું ત્યારે અમે દબાણમાં કામે રાખી લીધા ગત ઇવેન્ટમાં કંપનીએ 50 % ખોટ ખાધી છે હવે કંપની સેફટી માટે ઉપરી અધિકારીઓ પાસે લેખિતમાં માંગે છે કે આટલા કામદારો પાસે કામ લીધું છે તો અમે પગાર ચૂકવી દઈએ તેવી વાત કરાઈ હતી.આ સમગ્ર મામલે એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે સરકારી કાર્યક્રમોમાં ગરીબ બેરોજગારો પીસાઈ રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કોન્ટ્રાકટ કંપની અને સરકારના ઉપરી અધિકારીઓની સંતાકૂકડી ક્યારે પુરી થશે અને આ ગરીબ કામદારોનો પગાર ક્યારે થશે ???
રાજપીપળા, આરીફ જી કુરેશી