રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપની કુટનીતિઓથી કોંગ્રેસી કાર્યકરોને વાકેફ કર્યા.
રાજપીપળા:રાજપીપળા સરદાર ટાઉન હોલમાં શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારીબારીની બેઠક મળી હતી.જેમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ નટવરસિંહ મહિડા,વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી,વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપદંડક અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી,માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી,નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ,ઉપપ્રમુખ જયંતિ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કારોબારીમાં પોતાના સંબોધન દરમિયાન અમિત ચાવડાએ પક્ષમાં ગેરશિસ્ત મુદ્દે કડક કાર્યવાહીની ચીમકી આપી હતી.સાથે સાથે હોદ્દાઓ લઈ ચીટકી રહેતા નેતાઓને કામે લાગી જવા સલાહ આપી હતી.અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ-આરએસએસ SC,ST,OBC ના અનામત લાભો નાબૂદ કરવા કારસો રચી રહી છે.ભાજપ-આરએસએસની વિચારધારા દેશની તમામ વ્યવસ્થાઓ પર કબજો જમાવવાની છે.ભાજપે આપેલી માહિતીને આધારે જ ન્યાયતંત્રે એટરોસિટી એકતનો કાયદો થોડો નબળો પાડ્યો. અત્યારે ભાજપના રાજમાં આખા દેશમાં ગુલામી જેવી વ્યવસ્થા ઉભી થઇ છે,દેશ ગુલામી તરફ જઈ રહ્યો છે.કર્ણાટક મુદ્દે જણાવ્યું હતું કે વજુ વાળાએ ભાજપના ઈશારે કામ કરી સંવિધાનની હત્યા કરી છે,આમ કરી એમણે એક ગુજરાતી તરીકે ગાંધીજીના ગુજરાતનું નામ લજવ્યું છે.
જ્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સિંહાસન પર બેસી સંવિધાનની હત્યા કરી ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ પેદા થાય એવી પરિસ્થિતિનું મોદી-શાહે નિર્માણ કર્યું.ભાજપે પત્રકારની કલમને કચડી નાખી છે,સરકારની બુરાઈયો ઉજાગર કરે એને લમણે બંદૂક મૂકી દાબી દે છે.નર્મદા યોજનાનું રાજકીયકરણ કરી ભાજપે નર્મદાના પાણીની તંગી ઉભી કરી છે.