સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજકાલ ભારતમાં જ નહીં વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠ અજાયબીમાં સામેલ કરાયું છે.વિશ્વમાં આગવી ઓળખ મેળવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કમાણીના ક્ષેત્રે તાજ મહેલને પણ પાછળ મુક્યો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે જેની જાણકારી વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટવીટ કરીને પોતાના ટવીટર હેન્ડલર ઉપર મૂકી છે આ સાથે જ શાંઘાઇ કો-ઓપરેશન સભ્ય દેશોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. વિદેશ પ્રધાને વધુમાં જણાવ્યું કે, સભ્યો દેશો વચ્ચે પ્રવાસન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે SCO ના પ્રયત્નોની સરાહના કરવામાં આવી છે. SCO ની 8 અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામેલ કર્યું છે. જે એક પ્રેરણા તરીકે કામ કરશે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબીમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે.વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. હજારો પ્રવાસીઓ હાલ સ્ટેચ્યુની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠ અજાયબીમાં સામેલ કરતા ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે એ ચોકકસ પણે કહી શકાય.
રાજપીપળા, આરીફ જી કુરેશી