રાજપીપળા નગરના વડ ફળિયા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમા છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરાઈ છે. આ પાણી પીવાય તો રોગચાળાની સેવાતી ભીતિસેવાઈ રહી છે.
રહીશોના જણાવ્યા અનુસાર રાજપીપળા નગરનાં વડ ફળિયા વિસ્તારમાં રહીએ છીએ. અમારા વિસ્તારમાં આપના તરફથી વિતરણ કરાતા પીવાના પાણીની લાઈનમા છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતું હોઈ અમો પાણીનો વપરાશ કરી શકતા નથી, પીવાના ઉપયોગ માટે અમો બજારથી ખરીદેલ પાણી પીવા મજબુર છીએ. અગાઉ પણ નગરના અન્ય વિસ્તારોમાં પાણીની પાઇપ લાઈનમાંથી મરેલા કબુતરો નીકળવાની ઘટના સામે આવી હતી, અને તાજેતરમાં સિદ્ધપુર-પાટણમા પાણીની લાઈનમાંથી મૃત મહિલાનો શવ નીકળવાની પણ ઘટના બનવા પામી છે, જેથી પાણીની લાઈનની યોગ્ય તપાસ જરૂરી છે.
હાલ ચોમાસાની ઋતુ નજીક હોય દુષિત પાણીને કારણે માંદગી થવાની શકયતા છે જેથી આ મુદ્દે તાત્કાલિક કામગીરી કરી લોકોને રાબેતા મુજબનું ચોખ્ખું પીવા યોગ્ય પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવાની માંગ રહીશોએ કરી છે.
દીપક જગતાપ, રાજપીપલા