નર્મદા સાહિત્ય સંગમની પાંચમી સાહિત્ય સભા તિલકવાડા ખાતે નર્મદા તટે આવેલ મારુતિ મંદિરના સભાખંડમાં શ્રી પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરાના ટ્રસ્ટી અને બુધસભાના કન્વીનર અને જાણીતા કવિ દિનેશભાઈ ડોંગરેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે વડોદરાના જાણીતા કવિ ઉમેશભાઈ ઉપાધ્યાય અને મનહરભાઈ ગોહિલ તથા તિલકવાડા તાલુકા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારીયા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપકભાઈ જગતાપ, મહામંત્રી લાલસીંગભાઈ વસાવા તથા મહાનુભવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સાહિત્ય સભાનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે સહમંત્રી હરિવદનભાઈ પાઠકે પ્રાર્થના રજૂ કરી તિલકવાડા ભૂમિનો પરિચય આપ્યો હતો. જયારે જાણીતા કથાકાર સ્વ.વિરંચી પ્રસાદના સુપુત્ર હાર્દિકભાઈ પાઠક (શાસ્ત્રી)જીએ સ્વ.વિરંચી પ્રસાદનો પરિચય આપી જીવન કવન વિશે માર્ગદર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સ્વ.વિરંચી પ્રસાદના માનમાં અને ઓડિશાના બાલાસોરની ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ત્યારબાદ નર્મદા સાહિત્ય સંગમમાં નવા જોડાયેલા કવિ મિત્રોનો પરિચય અને પુષ્પગુચ્છથી પ્રમુખ એ સન્માન કર્યું હતું. જયારે ઉપપ્રમુખ રાકેશભાઈ સગરે વડોદરાના ત્રણે કવિમિત્રોનો સુપેરે પરિચય કરાવી પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. ત્યારબાદ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે સંસ્થાનો પરિચય આપી નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિ અંગે માહિતી આપી નર્મદા સાહિત્ય સંગમના નેજા હેઠળ એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતભરના સાહિત્યકારોનું સંમેલન યોજવાઅને ઠરાવ કરી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી અને ભારતીય જનતાપાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને લેખિત રજુઆત કરતો પત્ર તિલકવાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાલુભાઈ બારીયાને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ પ્રા. હિતેશગાંધીના સંચાલન હેઠળ કવિસંમેલન યોજાયું હતું. જેમાં ઉપસ્થિત કવિ મિત્રો દિનેશભાઈ ડોંગરે, ઉમેશભાઈ ઉપાધ્યાય, મનહરભાઈ ગોહિલ, દીપકભાઈ જગતાપ, લાલસીંગભાઈ વસાવા, પ્રા. હિતેશ ગાંધી, રાકેશ સગર, ઘનશ્યામ કુબાવત, હિરાજ વસાવા, બાલુભાઈ બારીયા, ઝહીર મન્સૂરી, નમીતાબેન મકવાણા, નગીન વણકર, અરવિંદભાઈ હાડા, મહેશ વણકર,અનિલભાઈ મકવાણા, સાવિત્રીબેન મકવાણા, વૃંદા મકવાણા વગેરે કવિમિત્રોએ પોતાની સ્વરચિત કાવ્યો રજૂ કરી મહેફિલ જમાવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી વડોદરા પ્રેમાનંદ સાહિત્ય સભાના ટ્રસ્ટી અને બુધસભાના કન્વીનર અને જાણીતા કવિ દિનેશભાઈ ડોંગરેએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ડોક્ટર, ઈજનેર, શિક્ષકો તૈયાર કરી શકાય છે પણ કવિને તૈયાર કરી શકાતો નથી કવિ અંદરથી સ્ફૂરે છે. એમ જણાવી કવિતાના કેવી રીતે લખાય તે અંગે માર્ગદર્શન આપી પોતાની ગઝલો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમ સાથે વડોદરા બુધ સભા સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા જોડાવા આમન્ત્રણ પાઠવ્યું હતું. અને નર્મદા સાહિત્ય સંગમને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ એજન્ડાના મુદ્દા મુજબ પ્રમુખ દીપકજગતાપે ચર્ચા કરી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યા હતાં.
આ પ્રસંગે સલાહકાર સમિતિ, અને નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. હિતેષભાઇ ગાંધી અને આભારવિધિ મહામંત્રી લાલસીંગભાઈ વસાવાએ કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા