સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓના નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. રાજકોટથી આવેલ પ્રવાસીનું રાજકોટના પ્રવાસીનુ રૂ. ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરતા પ્રવાસી ભાવવિભોર થયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં રાજકોટના રવિભાઇ સેથરીયા પોતાના પરીવારજનો સાથે ફરી રહ્યા હતા, દરમ્યાન બસ સ્ટોપ નં-૧ પાસે તેઓના માતા પાણી ભરવા ગયા હતા, દરમ્યાન ગોલ્ફ કાર્ટ આવી જતા ઉતાવળે પોતાની પાસે રહેલ પાકીટ પાણીની કુલર પાસે ભુલી ગયા હતા,જેમાં સોનાનો સેટ, સોનાની બુટ્ટી,સોનાની બંગડી અને સોનાનો ઝુડો અને રોકડ રકમ હતી જેની કુલ કિંમત આશરે રૂ. ૨ લાખ છે.આ પાકીટ ફરજનિષ્ઠ સુરક્ષા જવાન બાલુભાઇ તડવીના ધ્યાને આવતા તુરંત જંગલ સફારીના કેમ્પ ઓફીસ ખાતે જાવબદાર અધિકારીને જમા કરાવેલ.
જંગલ સફારીમાં ફરી રહેલ પ્રવાસી રવિભાઇ અને પરીવારજનોને પાકીટ ખોવાયાનો અહેસાસ થતા જ તુરંત બસ સ્ટેન્ડ નં. ૧ પાસે રહેલ સિક્યોરીટી જવાનનો સંપર્ક કરતા પાકિટ સહિસલામત હોવાની ખાતરી આપી હતી જે બાદ જંગલ સફારીમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સોનાના દાગીનાની માલિકીની ખરાઇ કરવામાં આવી હતી અને પ્રવાસીને તેમના દાગીના ભરેલ પાકીટ પરત કરવામાં આવતા રવિભાઇના પરીવારજનો ભાવવિભોર થયા હતા.
આ અંગે રવિભાઇ અને તેમના પિતા જીતેન્દ્રભાઇના જણાવ્યા મુજબ અમારા પરીવારે પરસેવાને કમાણીથી સોનાના દાગીનાની ખરીદી કરી હતી, સરતચુકથી પાણીના કુલર પાસે પરીવારજન પાકીટ ભુલી ગયા હતા, અમારા ધ્યાને આવતા જ સુરક્ષા જવાનને વાત કરતા જંગલ સફારીની કેમ્પ ઓફીસ ખાતે કાર્યરત કંટ્રોલ રૂમમાં પહોચ્યા હતા જયા માલિકીપણાની ખરાઇ કરીને માત્ર ૧૦ મિનિટમાં જ અમારા દાગીના ભરેલ પાકિટ સહિસલામત પરત મળી ગયુ હતુ. એક તબક્કે તો અમને મોટો ઝટકો લાગ્યો હતો કારણ કે, જીંદગીની કમાણીથી સોનાના દાગીનાની ખરીદી અમે કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓ ખરા અર્થમાં પ્રમાણિક છે,આ અનુભવ અમને જિંદગીભર યાદ રહેશે.
સુરક્ષા જવાન બાલુભાઇ તડવીની પ્રમાણીકતાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને જંગલ સફારીના નિયામક ડૉ. રામ રતન નાલા સહિતના અધિકારીઓએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા