રાજપીપળા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તો પોતાનું કામ કરે જ છે પરંતુ તેની ઉપર બાઝ નજર રાખતા નર્મદા કમાન્ડ કન્ટ્રોલ દ્વારા છેલ્લા ૬ મહિના એટલે કે જુલાઈ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ દરમિયાન વાહન ચાલકોને ૬૧૫૨ ચલણ (ઈ-મેમો)અપાયા જેમાં ખાસ બાઈક પર ત્રણ સવારી અને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરી કુલ-૬,૩૧,૮૦૦/- રૂપિયા દંડ ફટકાર્યો પરંતુ એ પૈકી ૨૭૫૮ પાસે વસુલાત કરી કુલ-૩,૪૪,૬૦૦/- રૂપિયા વસુલાત કરવામાં આવી જ્યારે ૩૩૯૪ ચલણનો દંડ હજુ બાકી હોય એ તમામ વાહન માલિકો જો દંડની રકમ નહિ ભરે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી અથવા RTO માં બોજ નંખાશે તેમ જાણવા મળ્યું છે.માટે ઈ-મેમો લઈને બેઠેલા અને દંડ ભરવામાં આળસ કરતા વાહન માલિકોએ હવે ચેતવું પડશે નહિ તો તકલીફ પડશે.રાજપીપળા શહેરમાં ચર્ચાતી વાત મુજબ કેટલાક બાઈક ચાલકો કેમેરાની નજરથી બચવા આગલી નંબર પ્લેટ બેન્ડ વાળી દેતા હોય જેથી સ્પષ્ટ નંબર કેમેરામાં જણાય નહિ માટે ઈ-મેમોથી બચી શકાય જ્યારે કેટલાક હજુ એવું પણ વિચારે છે કે જૂની બાઈક ખરીદી હોય નામ ટ્રાન્સફર ન કરાવીએ તો મુખ્ય વાહન માલિકને ત્યાં ઈ-ચલણ જશે અને પોતે બચી જશે.પરંતુ આવી છટક બારી કરનારા તત્વો પણ કાયદાના ચક્કર માંથી કેટલું બચશે ?ગમે ત્યારે તો ભાંડો ફૂટશે એ વાત ચોક્કસ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી