આજે રાજપીપલા ખાતે ફાગણ સુદ દશમના રોજ રાજપીપલાની રાજસ્થાની મહિલાઓએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક દશામાંનું વ્રત પૂજન કર્યું હતું. મોટી સંખ્યામાં પૂજાની થાળી લઈને આવેલી રાજસ્થાની મહિલાઓને તૂટેલા ચોરા પર બેસવા માટે જગ્યા નાની પડતી હોવાથી મહિલાઓને નીચે બેસીને પૂજા કરવાનો વારો આવ્યો હતો. પવિત્ર પૂજા સ્થળની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું હોવાથી મહિલાઓની ધાર્મિક લાગણી પણ દુભાતી જોવા મળી હતી.
અહીંના વડના ચોતરાની દુર્દશા બેઠી છે, તિરાડ પડેલ તૂટેલો ચોતરો નાનો હોવાથી વધુ બહેનો બેસીને પૂજા કરી શકે તેવો મોટો ચોતરો બનાવવાની માંગ કરી હતી અને આ પવિત્ર જગ્યાની નિયમિત સાફ સફાઈ થાય એ માટે નગરપાલિકા ધ્યાન આપે એ જરૂરી છે. આજે મહિલાઓને જગ્યાના અભાવે ગંદકીની જગ્યાએ નીચે બેસીને પૂજા કરવી પડે એ શરમજનક વાત કહેવાય. નગરમાં ગલીએ ગલીએ રંગીન પથ્થરો પેવર બ્લોકનાંનાખી શકાતા હોય તો વડ પૂજન, દશામાં પૂજન કરવા આવતી મહિલાઓ માટે આવા ચોરા ઓટલા પાસે પેવર બ્લોક કેમ ના લગાડી શકાય.
કરજણ ઓવારે વર્ષોથી વડ નીચે વડ સાવિત્રી પૂનમે સૌભાગ્યવતી મહિલાઓ પૂજા કરવા આવે છે. અહીં ઉજાણી તથા વાર તહેવારે મોટી સંખ્યામાં લોકો બેસતા હોય ત્યારે અહીં બેસવા માટે વધારે બાંકડા મુકવાની જરૂર છે. પવિત્રતા અભડાય નહીં તે માટે અહીં નિયમિત સાફ સફાઈ થાય એ પણ જરૂરી છે. નગરપાલિકા આ સૌભાગ્યવતી મહિલાઓની સમસ્યા સત્વરે હલ કરે એવી મહિલાઓની માંગ છે.
દીપક જગતાપ, રાજપીપલા