પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે.
રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા નિલાંબરીબેન પરમારની અધ્યક્ષતામાં “આઝાદી કા અમૃત મહોત્સવ”, “G-20” થીમ આધારિત પાંચમા “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતુ જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારી જેનરીક દવાઓને પ્રોત્સાંહન પુરું પાડવાનો હતો.
જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા નિલાંબરીબેન પરમારે આ પ્રસંગે જણાવ્યું કે, પરિવારના સભ્યો બિમાર પડે ત્યારે બજારની મોંઘી અને બ્રાન્ડેડ દવા ખરીદવી મજબુરી બની રહે છે. જે વધુ ખર્ચાળ હોય છે. ત્યારે ગુણવતાયુકત અને અસરકારક જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં ૬૦ થી ૭૦ ટકા સસ્તા દરે જન ઔષધિ કેન્દ્રો પુરી પાડીને સામાન્ય લોકોની સારવારમાં આશિર્વાદરૂપ બની રહી છે.
આ વેળાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કેન્સર, ક્ષય સહિત અન્ય રોગો માટે દવાઓ ખોરાક જેટલી જ અનિવાર્ય બનતા જેનરિક દવાઓ આઉટ ઓફ પોકેટ ખર્ચ પરનું ભારણ ઘટાડી શકે છે. વધુમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આહ્વાન બાદ ડોક્ટરોને જેનરિક દવાઓના પ્રચાર અને દર્દીઓમાં તેની સમજ ઉભી થાય તે હેતુથી દરેક જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા વસાવાએ અનુરોધ કર્યો હતો.
દેશમાં આશરે ૯૦૮૨ અને ગુજરાતમાં ૫૧૮ જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના કેન્દ્રો કાર્યરત છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલાના વ્રજ કોમ્પલેક્ષ ખાતે પણ ૧ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પ્રજાજનોને અનુરોધ કરાયો હતો.
દીપક જગતાપ, રાજપીપલા