રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો. મોડી રાતે રાજપીપલામાં અચાનક કમોસમી વરસાદ તૂટી પડયો હતો. સાંજે પણ વાવાઝોડું ફૂંકાયું હતું જેને કારણે રાજપીપલામાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જિલ્લાના નાગરિકોને જાણકારી આપવા તથા ખેડૂતોના પાક સુરક્ષિત રહે તે અંગે તાલુકા મામલતદારોને સૂચના અપાઈ હતી
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લામાં શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેતપેદાશો, ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી તથા ખરીદ કેન્દ્રો તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકસાન ન થાય તે માટે અન્ય ગોડાઉનો ખાતે સલામત સ્થળે રાખવા માટે જરૂરી તકેદારીના પગલા લેવા જેથી ખેડૂતોને નુકસાન ન થાય. સાથોસાથ જિલ્લાના નાગરિકોને કમોસમી વરસાદ અંગેની જાણકારી મળી રહે તે માટે તમામ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારી, મામલતદારઓ સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાની જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જણાવાયું છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા/ ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો. એ.પી.એમ.સીમાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કર્યો હતો એ.પી.એમ.સીમાં અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવું અથવા સુરક્ષિત રાખવા ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓ એ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહિ તે મુજબ સુરક્ષિત રાખવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું હતું.
દીપક જગતાપ, રાજપીપલા